ગાંધીનગર, તા.૨૮ 

રાજ્યમાં શનિવારે પહેલીવાર ૨૪ કલાકમાં નોંધાયેલા કેસની સંખ્યા ૬૦૦ને પાર થઈ હતી. શનિવારે રાજ્યમાં કુલ ૬૧૫ નવા કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં ૬૦ દિવસ પછી પહેલીવાર કેસની સંખ્યા ૨૦૦થી ઓછી થઈ હતી. શનિવારે અમદાવાદ શહેરમાં ૧૯૭ કેસ નોંધાયા હતા, અહીં છેલ્લે ૨૯ એપ્રિલે કેસની સંખ્યા ૨૦૦ને પાર થઈને ૨૩૪ નોંધાઈ હતી. રાજ્યમાં શનિવારે વધુ ૧૮ લોકોના કોરોનાથી મોત નીપજ્યાં હતા.

જ્યારે ૩૭૯ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા હતા. સુરતમાં ૧૯૫ નવા કેસ નોંધાયા હતા જ્યારે વધુ ૫ના મોત સાથે કુલ મરણાંક ૧૬૬ થયો હતો. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા હાલ ૬,૫૧૧ છે જે સમગ્ર દેશમાં સાતમાં ક્રમે છે. કચ્છમાં ૧૧ આર્મી જવાનો પોઝિટિવ આવ્યાં છે.ગુજરાત કરતાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશ રાજ્યોમાં કોરોના સંક્રમિત હોય અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તેવાં દર્દીઓ વધુ છે. ગુજરાતમાં શનિવારે ૬૧૩ નવા કેસ સામે આવ્યાં છે. આ સાથે અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૩૦,૭૭૧ થઇ છે. આરોગ્ય વિભાગે કરેલી સ્પષ્ટતા અનુસાર શનિવારે નવા નોંધાયેલાં કેસોમાં એક કેસ અન્ય રાજ્યના દર્દીનો જ્યારે ૧૧ કેસ કચ્છ આર્મી છાવણીના જવાનો છે.