પશ્ચિમબંગાળ-

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં કરેલા વચન મુજબ, ત્રીજી વખત મુખ્યમંત્રી બનવાના દોઢ મહિનાની અંદર, મમતા બેનર્જીએ પોતાનું વચન પાળવાનું શરૂ કર્યું છે. ગુરુવારે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ક્રેડિટ કાર્ડ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. વિદ્યાર્થી ક્રેડિટ કાર્ડ આપવાની યોજના 30 જૂનથી શરૂ કરવામાં આવશે. રાજ્ય સચિવાલય નબ્બાન ખાતે પત્રકારોને સંબોધન કરતા મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, આ કાર્ડથી 24 વર્ષ સુધીની કોઈપણ વિદ્યાર્થી ઓછામાં ઓછી વ્યાજ પર 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. આ ક્રેડિટ કાર્ડ 10માં ધોરણથી લઈ શકાય છે.

હવે વિદ્યાર્થીઓને ભણાવવા માટે મકાન વેચવાની જરૂર નથી

મુખ્યમંત્રીએ કહ્યું, “તમારે ભણતર માટે તમારું મકાન વેચવાની જરૂર નથી. જો તમારે 10 લાખ રૂપિયા સુધીની લોન લેવાની છે, તો પશ્ચિમ બંગાળની સરકાર બાંહેધરી આપનાર છે. હવે તેમના બાળકો કેવી રીતે અભ્યાસ કરશે તે વિશે માતાપિતાને ચિંતા કરવાની જરૂર નથી. રાજ્ય સરકાર તમારી સાથે છે. " મમતા બેનર્જીએ કહ્યું કે, ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ક્રેડિટ કાર્ડ અંડરગ્રેજ્યુએટ, અનુસ્નાતક, સંશોધન હેતુ માટે લઈ શકાય છે. મુખ્યમંત્રીએ ઘોષણા કરી હતી કે, પશ્ચિમ બંગાળમાં ઓછામાં ઓછા 10 વર્ષથી રહેતા તમામ લોકો આ નાણાંથી દેશમાં અથવા વિદેશની કોઈપણ સંસ્થામાં અભ્યાસ કરી શકશે.

તમને લોન ચુકવવા માટે 15 વર્ષ મળશે

મમતા બેનર્જીએ કહ્યું કે, તે પછી જો તમને નોકરી મળશે, તો તમને ઓછા વ્યાજ પર આ લોન ચુકવવા માટે 15 વર્ષ મળશે. તે મેળવવાનું ખૂબ જ સરળ છે. આ કાર્ડ ઓનલાઇન લઈ શકાય છે. કેવી રીતે અરજી કરવી અને આ કાર્ડ કેવી રીતે મેળવવું તેની જાહેરાત 30 જૂને પ્રોજેક્ટ શરૂ થયા પછી કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે વિધાનસભાની ચૂંટણીમાં અગાઉ કરેલા વચન પ્રમાણે, મમતા બેનર્જીએ કૃષક બંધુ યોજના હેઠળ ખેડૂતોને 10 હજાર રૂપિયા આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.