વડોદરા, તા.૨૧

ઘોઘંબા પાસે આવેલ ગુજરાત ફલોરો કેમિકલ લિમિટેડ કંપનીમાં થોડા દિવસો અગાઉ કંપનીના રીએકટરમાં આગ લાગવાથી સાત કર્મચારીઓનું મુત્યુ થવાની સાથે બાવીસ કર્મચારીઓને ગંભીર ઈજા પહોંચી હતી. આ દુર્ધટનાને કારણે ઓલ ઈન્ડીયા યુનીટેડ ટ્રેડ યૂુનિયન સેન્ટરની ફેક્ટ ફાઈન્ડીંગ ટીમ દ્વારા જાતે તપાસ હાથ ધરીને રાજ્યના શ્રમમંત્રીને તપાસ માટેની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

પંચમહાલ જીલ્લામાં આવેલ ધોધંબાના રણજીતનગર ગામમાં આવેલ ગુજરાત ફલોરો કેમિકલ લિમિટેડ કંપનીમાં ગત. તા. ૧૬ ડિસેમ્બર નારોજ કંપનીના રીએકટરમાં આગ લાગી જવાથી સાત કામદારોના મોત થવાની સાથે બાવીસ કામદારોને ગંભીર ઈજા પહોંચી હતી. આ દુર્ધટનાને ધ્યાનમાં રાખીને ઓલ ઈન્ડીયા યુનીટેડ ટ્રેડ યુનીયન સેન્ટરની ટીમ દ્વારા ગામના રહીશો અને કામદારો સાથે મળીને દુર્ધટના વિશે તપાસ હાથ ધરતા આ કંપનીમાં એક મહિના અગાઉ પણ ગેસ ગળતરના કારણે કામદારનું મોત નિપજ્યું હતું. જ્યારે દસ દિવસ અગાઉ પણ એ જ રીએકટરમાં બલાસ્ટ થયો હોવા છતાં કંપનીના માલિક તથા મેનેજમેન્ટની નિષ્કાળજી અને ગુજરાત સરકારના શ્રમ અધિકારીઓની બેદરકારીના આક્ષેપો સાથે ઓલ ઈન્ડીયા યુનીટેડ ટ્રેડ યુનિયન સેન્ટરના સભ્યો દ્વારા રાજ્યના શ્રમમંત્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.