લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, સપ્ટેમ્બર 2026 |
4158
ડૉ. એન. ડી. દેસાઈ હોસ્પિટલ, નડિયાદમાં તબીબોની સમયસૂચકતાથી ૮ મહિનાની બાળકીનો જીવ બચી ગયો છે. રમતાં રમતાં બાળકીને એલઇડી બલ્બ શ્વાસ નળીમાં ઉતરી જતાં તેને શ્વાસ લેવામાં તકલીફ થવાની સાથે સાથે ઉલ્ટીમાં લોહી આવતાં પરિવારજનો ગભરાઇ ગયા હતા અને એને તાત્કાલિક નડિયાદ લઇ આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા તેની શ્વાસનળીમાં ફસાયેલો બલ્બ બહાર કાઢી લેવામાં આવતાં બાળકીને નવજીવન મળ્યું છે. મહેમદાવાદમાં રહેતાં પરિવારની ૮ મહિનાની બાળકી રિયા મારવાડીને સાંજે શ્વાસ લેવામાં ભારે તકલીફ અને ઉલ્ટીમાં લોહી આવવાની ફરિયાદ સાથે નડિયાદની એન ડી દેસાઇ હોસ્પિટલમાં લાવવામાં આવતાં તેને ઇમરજન્સી વિભાગમાં સારવાર અર્થે લઇ જવામાં આવી હતી. રડતી વખતે બાળકીનું ઓક્સિજન લેવલ સતત ઘટી રહ્યું હતું, જે અત્યંત ચિંતાજનક સ્થિતિ હતી. તબીબોએ પૂછતાં પરિવારે જણાવ્યું કે, બાળકીએ તીક્ષ્ણ ધાતુની વસ્તુ ગળી લીધી હતી. હાઈ રિસ્ક હોવાના કારણે અન્ય હોસ્પિટલમાંથી સારવારનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને તેને તાત્કાલિક ડૉ. એન. ડી. દેસાઈ હોસ્પિટલ, નડિયાદમાં રીફર કરવામાં આવી હતી. હોસ્પિટલમાં કરવામાં આવેલા એક્સ-રે માં ચોંકાવનારું તારણ સામે આવ્યું - બાળકીની શ્વાસનળીમાં, શ્વાસના મુખ્ય દ્વાર (લેરીંક્સ) ની તરત નીચે, એક ધાતુની વસ્તુ ફસાયેલી હતી. પરિસ્થિતિની ગંભીરતા જાેતા તબીબોએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના બાળકીને ઓપરેશન માટે લીધી. ઇએનટી વિભાગના એચઓડી અને પ્રોફેસર ડૉ. સુપ્રિત પ્રભુ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. પ્રિયંકા ભગતની ટીમે બ્રોન્કોસ્કોપી દ્વારા શ્વાસનળીમાંથી મેટલ વાયર સાથેનો એલઇડી બલ્બ સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો. આ સમગ્ર જટિલ પ્રક્રિયા દરમિયાન એનેસ્થેસિયા વિભાગ અને નર્સિંગ સ્ટાફનો સહકાર પણ ખૂબ મદદરૂપ પૂરવાર થયો હતો. સૌથી મહત્વની વાત એ છે કે, બાળકીને આ સમગ્ર જીવલેણ સારવાર સંપૂર્ણપણે વિના મૂલ્યે આપવામાં આવી હતી. ઓપરેશન બાદ બાળકીની તબિયત સ્થિર છે અને તેને કોઈપણ પ્રકારની તકલીફ નથી.