લુણાવાડા-

મહિસાગરના લુણાવાડામાં નગરપાલિકાના પ્રમુખ પદ માટે આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે. આ પદ માટે ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટનો અનાદર કરી શિસ્તભંગ કરવામાં આવ્યો હતો. આ શિસ્તભંગ કરવા બદલ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ સહિત 4 કોર્પોરેટરોને ભાજપમાંથી બહાર કાઢી દીધા છે. મેન્ડેટનો અનાદર કરી શિસ્તભંગ કરવા બદલ ચારેય કોર્પોરેટરોને નોટિસ મોકલી સાત દિવસમાં ખુલાસો માગવામાં આવ્યો છે. હાલમાં ભાજપ દ્વારા કોર્પોરેટર કેતનકુમાર ફૂલાભાઈ ડોડિયાર, બિન્દા નીલજકુમાર શુક્લ, હિના મુકેશભાઈ ભોઈ, જયશ્રી નરેન્દ્રકુમાર ડાભીને ભાજપમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ જે. પી. પટેલ દ્વારા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલને રજૂઆત કરવામાં આવી હતી.


લુણાવાડા નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી 24 ઓગસ્ટે યોજાવાની હતી. જેમાં ભાજપના ત્રણ બળવાખોર કોર્પોરેટરો અને નગરપાલિકાની ચૂંટણી વખતે NCPમાંથી ચૂંટાઈ ભાજપના સક્રિય સભ્ય બન્યા હતા. ભાજપમાં જોડાયેલા બિન્દા શુક્લ ભાજપમાંથી બળવો કરી કોંગ્રેસના સહયોગથી પ્રમુખ બનતા જિલ્લા ભાજપ પ્રમુખ જે. પી. પટેલ દ્વારા પ્રમુખ સી. આર. પાટિલને રજૂઆત કરવામાં આવતા પ્રદેશ પ્રમુખ દ્વારા મેન્ડેડનો અનાદર કરી શિસ્તભંગ કર્યા હોવાથી 4 કોર્પોરેટરોને નોટિસ મોકલી સાત દિવસમાં ખુલાસો માગ્યો હતો. સાત દિવસમાં ખુલાસો કે બચાવ માટેના કોઈ કારણ ન દર્શાવતા 21 ઓક્ટોબરે નગરપાલિકાના કોર્પોરેટર કેતનકુમાર ફુલાભાઈ ડોડિયાર, જયશ્રી નરેન્દ્રકુમાર ડાભી, બિન્દાબેન નિલજકુમાર શુક્લ તથા હીનાબેન મુકેશભાઈ ભોઈ સહિત ચાર કોર્પોરેટરોને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. વધુમાં જ્યારે લુણાવાડા પ્રમુખ બિન્દાબેન શુક્લ NCPમાંથી ચૂંટાયા બાદ બીજેપીના સક્રિય સભ્ય બન્યા હોવાથી સસ્પેન્ડ કરવામાં આવતા લુણાવાડા નગરમાં રાજકીય ભૂકંપ સર્જાયો હતો.