મલેશિયા ઍરલાઇન્સની ફ્લાઇટનું ચેન્નાઇ ઍરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, સપ્ટેમ્બર 2026  |   4455

કુઆલાલંપુરથી ચેન્નાઈ આવી રહેલી મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટ MH156માં મધ્ય આકાશમાં જ એક ભયાનક ટેકનિકલ ખામી સર્જાતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. વિમાન પોતાના ગંતવ્ય સ્થાન નજીક પહોંચવામાં જ હતું ત્યારે તેના બીજા નંબરના એન્જિનમાં અચાનક ગંભીર ખામી સર્જાઈ હતી. જાેકે, પાયલોટે અત્યંત માનસિક સંતુલન અને સૂઝબૂઝ દાખવીને ચેન્નાઈ એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો હતો અને તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ માટે મંજૂરી માંગી હતી.

ઇમરજન્સીનો સિગ્નલ મળતાં જ ચેન્નાઈ એરપોર્ટ પર તાત્કાલિક ધોરણે હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. 

રનવેની આસપાસ ફાયર ફાઇટરો, ગ્રાઉન્ડ સ્ટાફ, મેડિકલ એમ્બ્યુલન્સ અને સીઆઈએસએફના જવાનોને કોઈપણ કટોકટી પહોંચી વળવા સ્ટેન્ડબાય પર રાખી દેવાયા હતા. વિમાનમાં ૧૮૬ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમના જીવ અધ્ધર થઈ ગયા હતા.

સદનસીબે, અનુભવી પાયલોટે વિમાનનું રનવે પર સલામત અને સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં સફળતા મેળવી હતી. એરપોર્ટ પ્રશાસન અને ઈમરજન્સી ટીમોએ તાત્કાલિક તમામ ૧૮૬ મુસાફરો અને ક્રૂ સભ્યોને સહીસલામત બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં કોઈને પણ ઈજા પહોંચી ન હોવાથી પ્રશાસન અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution