અમદાવાદ-

લાંબા વિરામ બાદ અમદાવાદ શહેરમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે. શહેરના અનેક વિસ્તારમાં ઘણાં સમય બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. કાલુપુર, દિલ્હી ચકલા, શાહપુર, દરિયાપુર સહિતના પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સરખેજ, નરોડા પાટિયા સહિતના વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વરસાદ પડતાંની સાથે જ સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જેને લઇને શહેરીજનોને ભારે ઉકળાટમાંથી રાહત મળી છે. મળતી માહિતી મુજબ વડોદરા તથા અમદાવાદ સહિત રાજ્યના વિવિધ પંથકમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. તો અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. શહેરના બોડકદેવ, થલતેજ, સિંધુભવન રોડ, પાલડી, વાસણા, નવરંગપુરા, નારણપુરા સહિત ગોતા, ચાંદખેડા, ચાંદલોડિયામાં વરસાદી માહોલ જોવા મળતા લોકોને ભારે બફારામાંથી મુક્તિ મળી હતી.