મોરબી-

સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે અને વેપાર-ધંધા ઠપ્પ છે, ત્યારે આરબ દેશો અને અન્ય દેશોના એક્સપોર્ટ ઓર્ડર મળતા મોરબી સિરામિક ઉદ્યોગમાં જોરદાર તેજી જોવા મળી રહી છે અને તેજીની લહેરમાં સિરામિક ઉદ્યોગે ચીનને પણ એક્સપોર્ટમાં પાછળ ધકેલી દીધું હતું. જોકે સિરામિક ઉદ્યોગની માઠી હંમેશાની જેમ જોવા મળી રહી છે. તેજીના માહોલ અને એક્સપોર્ટના જોરદાર ઓર્ડર વચ્ચે ગેસના ભાવોમાં ઓચિંતો વધારો ઝીંકવામાં આવ્યો છે, ત્યારે મોરબી સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયું છે. સિરામિકમાં મુખ્ય ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવોમાં 4 રૂપિયાથી વધુનો વધારો સિરામિક ઉદ્યોગની કમર તોડી નાખનારો સાબિત થશે અને ગેસના નવા ભાવ સાથે સિરામિક ઉદ્યોગ એક્સપોર્ટ પણ નહીં કરી શકે.

મોરબીના સિરામિક ઉદ્યોગને પ્રતિદિન 2.25 કરોડ અને માસિક 80 કરોડથી વધુનો બોજ ગેસના ભાવવધારાને કારણે સહન કરવાનો વારો આવ્યો છે. સિરામિક ઉદ્યોગના મુખ્ય ઇંધણ તરીકે નેચરલ ગેસ વપરાય છે જે ગેસમાં અસહ્ય ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટને પણ ફટકો પડશે. કોરોના મહામારીની મંદીના માહોલમાં સિરામિક ઉદ્યોગ મોટી માત્રામાં એક્સપોર્ટ કરી વિદેશી હુંડીયામણ કમાઈ આપે છે. જે આવક પણ બંધ થશે તો સિરામિક ઉદ્યોગને ફટકો પડતા લોકોની રોજગારી પર પણ અસર જોવા મળી શકે છે.