ઇંન્દોર-

ગુજરાતનો સ્ટેન્ડ અપ કોમેડિયન મુનાવર ફારૂકી ફરી એકવાર ઝટકો લાગ્યો છે. મધ્યપ્રદેશ હાઇ કોર્ટે પણ તેમની જામીન અરજી નામંજૂર કરી છે. ફારૂકી અને તેના સાથી નલિન યાદવની 2 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. તેના પર આરોપ છે કે તેણે તેમના શો દરમિયાન હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરી હતી અને હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડી હતી.

સ્થાનિક ભાજપના ધારાસભ્યના દીકરાએ મુનાવર ફારુકી સામે હિન્દુ દેવ-દેવીઓ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે તેમના શોમાં અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. આથી તેની લાગણીઓને ઠેસ પહોંચી છે. તેની ફરિયાદ પર ઈન્દોર પોલીસે ફારૂકી અને શોના આયોજક નલિન યાદવની ધરપકડ કરી હતી. બાદમાં ઇન્દોરની સ્થાનિક અદાલતે તેમને ન્યાયિક કસ્ટડી પર મોકલ્યા.

પોલીસ કેસ ડાયરી રજૂ કરવામાં નિષ્ફળ જતા ગુરુવારે હાઈકોર્ટની ઇન્દોર બેંચે સુનાવણી મુલતવી રાખી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલ ફારૂકી અને અન્ય ચાર ધરપકડ કરાયેલા સ્ટેન્ડ-અપ હાસ્ય કલાકારોની જામીન અરજી નીચલી અદાલતો દ્વારા પહેલા જ નામંજૂર કરવામાં આવી હતી, જેની સામે આરોપીઓએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.