મોસ્કો-

કોરોનાની રસી તૈયાર કરવાના કામમાં જાેડાયેલા રશિયાના એક ટોચના વૈજ્ઞાનિકનો શંકાસ્પદ અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો છે. રિપોટ્‌ર્સ મુજબ 45 વર્ષના વૈજ્ઞાનિક અલેક્ઝાન્ડર સાશા કગનસ્કી પોતાના ફ્લેટના ૧૪માં માળેથી નીચે પડ્યા હતા. ઘટના ઘટી ત્યારે તેઓ ફક્ત અંડરવિયરમાં હતા.

પોલીસ હત્યા મામલે પણ તપાસ કરી રહી છે અને 45 વર્ષના એક સંદિગ્ધ વ્યક્તિની અટકાયત પણ થઈ છે. કથિત રીતે વૈજ્ઞાનિકના શરીર પર ચાકૂથી હુમલો કર્યાના નિશાન પણ છે. અલેક્ઝાન્ડર સાશા કગનસ્કી બાયોલોજિસ્ટ તરીકે કામ કરતા હતા અને બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટી સાથે પણ જાેડાયેલા હતા. લગભગ 13 વર્ષ સુધી તેમણે સ્કોટલેન્ડમાં કામ કર્યું હતું. રશિયન અખબારના રિપોર્ટ મુજબ કગનસ્કી કોરોના વાયરસની રસી તૈયાર કરવામાં કામે લાગેલા હતા અને તેમનું મોત અજીબોગરીબ સ્થિતિમાં થયું છે. જાે કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે કોરોનાની કઈ રસી પર તેઓ કામ કરતા હતા.  

રશિયાની એક યુનિવર્સિટીમાં કગનસ્કીએ સેન્ટર ફોર જીનોમિક એન્ડ રિજેનેરેટિવ મેડિસિનના ડાઈરેક્ટરના પદે પણ કામ કર્યું હતું. રશિયન મીડિયા રિપોર્ટ મુજબ પોલીસનું માનવું છે કે ફ્લેટના 14માં માળેથી નીચે પડતા પહેલા વૈજ્ઞાનિકનો કોઈની સાથે ઝઘડો થયો હતો. હાલમાં જ રશિયન સરકારે તેમને રિસર્ચ માટે એક ગ્રાન્ટ પણ આપી હતી.