૧૦૦૦ યુનિટોને નોટિસ, એક ઇમ્પોર્ટરની મિલકત સીલ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, ઓગ્સ્ટ 2026  |   1881

આમ આદમી પાર્ટીએ મેયરનાં ઘરે હોટફિક્સનાં પ્લાસ્ટિકનાં કચરાનો ઢગલો કર્યા બાદ વાતાવરણ વધારે ગરમ બની ગયું છે. ભાજપ શાસકોની સુચના બાદ મહાનગર પાલિકાનાં તંત્રે પણ પ્લાસ્ટિકનાં કચરા સામેની ઝૂંબેશ વધારે કડક બનાવી વરાછા, સરથાણા, કાપોદ્રા, પુણા સહિતનાં વિસ્તારોમાં કુલ ૧૦૦૦ યુનિટોને નોટિસ ફટકારી હતી જેમાં વરાછા-એ ઝોનમાં જ ૭૯૦ મિલકતોનો સમાવેશ થાય છે જ્યારે પુણા વિસ્તારનાં હોટમિક્સ ટ્રાન્સફર પેપરનાં એક મોટા ઇમ્પોર્ટર રામ ઇમ્પેક્સની મિલકત પણ સીલ કરવામાં આવી હતી. પુણા ગામમાં તળાવ પાસે હોટમિક્સનાં ટ્રાન્સફર પેપરનો જથ્થાબંધ વેપાર કરનાર વેપારીને ત્યાં તપાસ કરવા ગયેલી મનપાની ટીમનો વિરોધ કરવામાં આવતાં મહાનગર પાલિકાનાં અધિકારીએ કામગીરીમાં અડચણ ઉભી કરવા બાબતે પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપી હતી.

મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ જણાવ્યું હતું કે, હોટમિક્સ ટ્રાન્સફર પેપરનો પ્લાસ્ટિકનો વેસ્ટ જાહેરમાં નિકાલ કરવામાં આવે છે જે ગુનો છે, આવા કચરો એકત્ર કરવા બાબતે મહાનગર પાલિકા વ્યવસ્થા ગોઠવી રહી છે પરંતુ ત્યાં સુધી જાહેરમાં કચરાનો નિકાલ કરનારા તત્વો સામે આકરાં પગલાં લેવામાં આવશે. ચીનથી હોટમિક્સ ટ્રાન્સફર પેપરની મોટાપાયે આયાત કરનારા સુરતનાં આયાતકારોની યાદી કસ્ટમ્સ વિભાગ પાસે તેમજ અન્ય ઇમ્પોર્ટર પાસેથી મેળવવામાં આવી રહી છે અને તેમની પણ તપાસ કરાશે તેમ મહાનગર પાલિકાનાં અધિકારીએ જણાવ્યું હતું.

સુરત શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં પાલિકા દ્વારા હોટફિક્સનો પ્લાસ્ટિકનો કચરો રસ્તા પર ફેંકનારાઓ સામે અને રહેણાંક વિસ્તારમાં હોટફિક્સનાં ખાતાઓ ચલાવતા લોકો સામે નોટિસથી માંડી સીલિંગ સુધીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બીજીતરફ સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં રસ્તાઓ પર હોટ ફિક્સના પ્લાસ્ટિકના કચરાના ઢગલામાં આગ લાગવાના કોલ સતત વધી રહ્યા છે. ગઈકાલે ફાયર બ્રિગેડ વિભાગમાં કુલ આઠ કોલ નોંધાયા બાદ આજે વધુ ચાર હોટફિક્સનાં પ્લાસ્ટિકનાં કચરામાં આગ લાગવાના કોલ નોંધાયા છે જેમાં બે કાર અને બે બાઈકો સળગીને ખાક થઈ ગઈ છે.

સુરત મહાનગરપાલિકા માટે હોટ ફિક્સનો પ્લાસ્ટિકનો કચરો માથાનો દુખાવો બન્યો છે. આ સાથે જ સ્થાનિક લોકો માટે પણ રહેણાંક વિસ્તારમાં હોટફિક્સના ખાતાઓ ધમધમતા હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે હવે પાલિકા દ્વારા રહેણાંક વિસ્તારમાં હોટ ફિક્સનાં ખાતાઓ ધમધમતા હોય તેમની સામે નોટિસ ફટકારવાથી માંડી સીલીંગ સુધીની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન છેલ્લા ત્રણ દિવસની અંદર જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં હોટ ફિક્સના કચરાના ઢગલાઓમાં આગ લાગવાના કોલ વધી ગયા છે. ગઈકાલે માત્ર ૧૨ કલાકની અંદર જ અલગ અલગ કુલ આઠ જગ્યા પર આગ લાગવાની ઘટનાઓ બની હતી. ત્યારે આજે ફરીથી વધુ ચાર ઘટનાઓ સામે આવી છે. જેમાં વરાછા વિસ્તારમાં એલએચ રોડ પર લાભેશ્વર પોલીસ ચોકી પાસે જગદીશ નગર ખાતે હોટ ફિક્સ ના પ્લાસ્ટિકના કચરામાં લાગેલી આગમાં બે એકટીવા બાઈક પણ સળગીને ખાક થઈ ગઈ હતી. જાેકે ત્યારબાદ પુણાગામ સીતાનગર ગાયત્રી નગર ખાતે બુટ ભવાની રોડ પર મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં પણ બે કાર સળગીને ખાક થઈ ગઈ છે. જાેકે આ જ જગ્યા પર સવારે ૭:૪૫ વાગ્યે ફરીથી આગ લાગતા ફાયર બ્રિગેડ વિભાગ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ ઉપરાંત વરાછા વિસ્તારમાં આવેલ અર્ચના સ્કૂલ બોમ્બે માર્કેટ રોડ પર ક્રિએશન પ્લાઝા પાસે પણ ફિક્સના કચરામાં આગ લાગતા ફાયર બ્રિગેડ વિભાગ સતત દોડતું રહ્યું હતું. આમ માત્ર છેલ્લા ૨૪ કલાકની અંદર જ આગ લાગવાના ૧૨ જેટલા કોલ નોંધાતા ફાયર બ્રિગેડ વિભાગની હાલત કફોડી થવા પામી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution