મુંબઇ 

એક્ટ્રેસ કંગનાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની દશેરા સ્પીચ પર નિશાન સાધ્યું છે. એક્ટ્રેસે ઉદ્ધવને નાની વ્યક્તિ ગણાવીને તેમની પર સત્તાનો દુરુપયોગ કરવાનો આક્ષેપ મૂક્યો છે. કંગનાએ કહ્યું હતું કે ઉદ્ધવ એ રીતનો વ્યવહાર કરે છે, જાણે કે તેઓ મહારાષ્ટ્રના માલિક હોય. કંગનાએ એક પછી એક છ ટ્વીટ કરીને મુખ્યમંત્રી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

કંગનાએ શું લખ્યું?

• મુખ્યમંત્રીજી તમે બહુ જ નાના વ્યક્તિ છો, હિમાચલને દેવ ભૂમિ કહેવામાં આવે છે, અહીંયા ઘણાં જ મંદિરો છે અને અપરાધ દર શૂન્ય છે. હા, અહીંયાની જમીન ઘણી જ સારી છે અને સફરજન, કીવી, દાડમ તથા સ્ટ્રોબેરી ઊગે છે. અહીંયા કંઈ પણ ઊગી શકે છે. અમારા ત્યાં બહુ અમીર અને બહુ ગરીબ લોકો રહેતા નથી. આ એક ધાર્મિક પ્લેસ છે. અહીંયાના લોકો ઘણાં જ ભોળા છે.

• તમને મુખ્યમંત્રી તરીકે શરમ આવવી જોઈએ. એક સાર્વજનિક સેવક હોવાને કારણે તમે નાના નાના ઝઘડામાં ધ્યાન આપો છે. તમે તમારી શક્તિનો ઉપયોગ એવી વ્યક્તિઓ પાછળ કરી રહ્યા છો, જે તમારી વાત સાથે સમંત નથી. તમે આ ખુરશીને લાયક નથી. ગંદું રાજકારણ, શરમ આવવી જોઈએ.

• એક CMની ધૃષ્ટતા તો જુઓ, તે દેશને વિભાજિત કરી રહ્યા છે. તેમને મહારાષ્ટ્રના ઠેકેદાર કોણે બનાવ્યા? તેઓ માત્ર એક લોક સેવક છે. તેમની પહેલા કોઈ બીજું હતું. તેઓ ટૂંક સમયમાં બહાર હશે અને અન્ય કોઈ વ્યક્તિ રાજ્યની સેવામાં આવશે. તેઓ તો જાણે મહારાષ્ટ્રના માલિક હોય તે રીતનો વ્યવહાર કરી રહ્યા છે?

• હિમાલયની સુંદરતા દરેક ભારતીયની છે, તે જ રીતે મુંબઈમાં જે પણ છે, તે બધાનું છે. મારા બે ઘર છે. ઉદ્ધવ ઠાકરે તમે અમારા લોકશાહીના અધિકારોને લેવાની હિંમત તથા અમને વિભાજિત કરવાનું કામ ના કરો. તમારું ગંદું ભાષણ તમારી અક્ષમતાનું એક અસ્પષ્ટ પ્રદર્શન છે.

• કામ કરી રહેલા CMની આ ખુલ્લી બદમાશી પર મને નવાઈ લાગે છે. આ પહેલા એક ટ્વીટમાં ટાઈપો એરર હતી, અહીંયા હિમાચલમાં કોઈ ગુનો બનવો જોઈએ નહીં. હા, ફરીથી સ્પષ્ટ કરું છું કે અમારી પાસે બહુ ગરીબ કે બહુ અમીર લોકો નથી અને હિમાચલમાં કોઈ અપરાધ નથી. આ એક આધ્યાત્મિક છે અને અહીંયાના લોકો ઘણાં જ માસૂમ તથા દયાળું છે.

25 ઓક્ટોબર, રવિવારના રોજ દશેરા હતા અને CM ઉદ્ધવ ઠાકરેએ કંગનાનું નામ લીધા વગર કહ્યું હતું, 'જે લોકોને પોતાના રાજ્યમાં યોગ્ય ભોજન મળતું નથી, તે લોકો અહીંયા આવે છે. પૈસા કમાય છે અને પછી પાકિસ્તાન હસ્તક કાશ્મીરની સાથે મુંબઈની તુલના કરીને રાજ્યને બદનામ કરવાનો પ્રયાસ કરે છે.' 

વધુમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું, 'તમે અહીંયા રોજગારી માટે આવો છો અને મુંબઈને બદનામ કરો છો. મુંબઈ પોલીસને કેમ બદનામ કરી? આ એ જ પોલીસ છે, જેણે તમને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. જે રીતે હું શિવસેનાનો પ્રમુખ છું, તે જ રીતે મુંબઈ પોલીસનો પણ છું. PoKની સાથે મુંબઈની તુલના PM નરેન્દ્ર મોદીનું અપમાન છે.' કંગનાએ આ જ ભાષણ પર ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વાત કરી હતી.