મુંબઇ

શિરોમણિ અકાલી દળના ભૂતપૂર્વ નેતા મનજીત સિંઘ જીકેએ સોશિયલ મીડિયા કંપની ટ્વિટરને લીગલ નોટિસ મોકલી છે. જેમાં માંગણી કરી છે કે ખેડુતો વિરુદ્ધ અભિનેત્રી કંગના રાનાઉતે કરેલી કથિત અપમાનજનક ટ્વીટ પર કાર્યવાહી કરીને તેનું એકાઉન્ટ તાત્કાલિક બંધ કરવામાં આવે. મહારાષ્ટ્રમાં ટ્વિટર મેનેજિંગ ડિરેક્ટરને ઇમેઇલ દ્વારા મોકલવામાં આવેલી કાનૂની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે અભિનેત્રીની પોસ્ટ ખોટી હતી અને તેણે ખેડૂતો તેમજ ખેડૂત સાથે સંકળાયેલા સમગ્ર શીખ સમુદાયની છબીને નુકસાન પહોંચાડ્યું છે. આ નોટિસ એડવોકેટ નાગિંદર બેનીપાલ દ્વારા મોકલવામાં આવી છે.

આ નોટિસ કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા અને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડુતો અને શીખ સમુદાય પરના કથિત હુમલા માટે મોકલવામાં આવી છે. તેમાં કંગનાના ટ્વિટનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું હતું કે 2 ફેબ્રુઆરીએ તેણે આંતરરાષ્ટ્રીય પોપ સિંગર રિહાન્નાએ “આપણે કેમ આના વિષે વાત નથી કરતા!” ટ્વિટ કરી હતી. જેના પર જવાબ આપતા કંગનાએ લખ્યું હતું કે “કોઈ વાત કરી રહ્યું નથી કારણ કે તેઓ ખેડૂત નથી, તેઓ આતંકવાદીઓ છે જે ભારતનું વિભાજન કરવા માંગે છે. જેથી ચીન અમારા સુરક્ષિત દેશના ટુકડા કરી કબજો કરે. અને અમેરિકાની જેમ ચીની વસાહત બનાવી લે.”

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે અભિનેત્રીએ લોકપ્રિયતાનો ઉપયોગ ખેડૂતો અને એમની સાથે જોડાયેલા શીખ સમુદાયની છબી ખરડવા કર્યો છે. તેમને આતંકવાદી કહીને રાષ્ટ્ર વિરોધી જણાવ્યા છે.

બેનિપાલે નોટિસમાં કહ્યું કે, “મારા ક્લાયન્ટ દેશની સુરક્ષા, ખેડૂતો અને સમગ્ર શીખ સમુદાયની એકતા માટે ચિંતિત છે. અને તે તેમની સલામતી માટે ગંભીર છે. ખેડૂતો સામે આવા બદનામી, ખોટા, દૂષિત નિવેદનોને તે સ્વીકારશે નહીં.”

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “જો કથિત ટ્વીટ્સ ડિલીટ ના કરવામાં આવી તો અને એકાઉન્ટ બંધ કરવામાં ના આવી તો આ ઘટના માટે તેમને બદનક્ષીકારક રીતે જવાબદાર ઠેરવવામાં આવશે. તેમજ અમને કાયદા મુજબ યોગ્ય કાનૂની કાર્યવાહી શરૂ કરવાનો અધિકાર હશે.”