મુંબઇ

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનાઉત સતત ટ્વિટર (twitter) પર ખેડૂત આંદોલન સામે પોસ્ટ કરી રહી છે. તેમજ ખેડૂત આંદોલનને સમર્થન આપતા દરેક મોટા સેલેબ્સ અને વિદેશી હસ્તીઓને નિશાન બનાવી રહી છે. જેને લઈને ટ્વિટર ઇન્ડિયાએ કંગના રાનાઉતનાં બે ટ્વીટ ડિલીટ પણ કર્યા હતા. આ સાથે જ કંગનાએ ટ્વિટરને ચીનની કઠપૂતળી ગણાવ્યું છે અને કહ્યું છે કે ચીની એપ્લિકેશન ટિક ટોકની જેમ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

કંગના રાનાઉતે એક ટ્વિટમાં લખ્યું છે કે, ‘મારું એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની ધમકી આપીને ટ્વિટર ચીનની કઠપૂતળી બની ગયું છે. જ્યારે મેં કોઈ નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી. યાદ રાખજો જે દિવસે હું જઈશ તમને પણ સાથે લેતી જઈશ. ચાઇનીઝ એપ્લિકેશન ટિક ટોકની જેમ તમારા પર પણ પ્રતિબંધિત લાવવામાં આવશે.’

કંગનાએ ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. જેને કારણે તેના બે ટ્વિટ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. કંગનાએ કૃષિ કાનુનનો વિરોધ કરી રહેલા ખેડૂતોને આતંકવાદી સુધી કહી દીધું હતું. આ ઉપરાંત રોહિત શર્માને પણ ધોબીનો કૂતરો કહ્યો હતો. તેમજ કંગના અવાર નવાર અનેક લોકો પર નિશાનો લગાવતી રહે છે.