વડોદરા,તા.૨૨  

વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી જારી કરાયેલા દબાણો હટાવવાના મેઘા ઓપરેશન ક્લીન અભિયાનને જારી રાખવામાં આવ્યું છે. જેના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગેરકાયદેસર દબાણોનો મોટાપાયે સફાયો કરવામાં આવ્યો છે. એકાએક હાથ ધરાયેલા આ ઓપેરેશન ક્લીનને લઈને અનેક ગરીબ અને શ્રમિક પરિવારો બેઘર બની ગયા છે. મંગળવારે એક જ દિવસમાં શહેરના વારસિયા આરટીઓ માર્ગ, સન ફાર્મા માર્ગ, ગેંડીગેટ ચોખંડી, ટીપી પાંચ, વોર્ડ છ, સર સયાજી નગરગૃહ માર્ગ સહિતના વિસ્તારોમાંથી વિવિધ પ્રકારના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પાલિકાની દબાણ શાખાના વાળા ડો.મંગેશ જયસ્વાલના માર્ગદર્શન હેઠળ દબાણ વિભાગની ટુકડીઓ દ્વારા વિવિધ વોર્ડ ઓફિસ અને પોલીસ સ્ટાફને સાથે રાખીને આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં વોર્ડ-૩, ૫ અને ૬ ના સ્ટાફનો સમાવેશ થાય છે. વોર્ડ-૩ ના વિસ્તારમાંથી વાડી પોલીસ મથકથી પ્રતાપનગર બ્રિજ સુધીના સમગ્ર વિસ્તારમાં રસ્તાની બંને તરફ નડતરરૂપ લારીગલ્લા, પથારા તથા ફૂટપાથ પર કરેલ ગેરકાયદેસર દબાણો, શેડ, લટકણિયાં હટાવીને દબાણો દૂર કર્યા હતા. ત્યારબાદ આજ વોર્ડ-૩ના વિસ્તારમાં શિવમ ડુપ્લેક્ષ વાઘોડિયા રોડથી કલા દર્શન રોડ સુધી રોડ પર નડતરરૂપ લારીઓ હટાવી દેવામાં આવી હતી. આજ પ્રમાણે વારસિયા જૂની ૦આરટીઓ કચેરી માર્ગ પર લક્ષ્મી પાર્ક સોસાયટી પાસેના દબાણો, ટીપી પાંચના પ્લોટ પરના ઝુંપડાઓના દબાણો, વોર્ડ છ પર સન ફાર્મા રોડ, વોર્ડ ગ્રાઉન્ડ, સર સયાજી નગરગૃહ માર્ગ પરના દબાણો પણ હટાવવામાં આવ્યા હતા.