લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, ઓગ્સ્ટ 2026 |
3861
વિધાનસભા ચૂંટણીને ભલે સવા વર્ષનો સમય હોય પરંતુ આમ આદમી પાર્ટીએ અત્યારથી જ આક્રામક વલણ અખત્યાર કરીને પવનની દિશા બદલવાનો પ્રયાસ આદરતાં શાસકપક્ષ ભાજપનાં નેતાઓ ડીફેન્સિવ મોડમાં આવી ગયા હોય તેમ જણાય છે. શહેરી વિસ્તારોમાં ભાજપની મજબુત પકડને ઢીલી કરવા માટે આમ આદમી પાર્ટીએ નાગરિકોની સમસ્યાઓને આક્રામક રીતે વાચા આપવાની નીતિ અપનાવતા શાસકો બેકફૂટ ઉપર આવી ગયાં છે. સુરત શહેરનાં વરાછા, મોટાવરાછા સહિતનાં વિસ્તારોમાં પ્લાસ્ટિકનાં કચરાનું દુષણ એટલી હદે વકરી ગયું છે કે, રોડ ઉપરથી પસાર થતાં વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે મુશ્કેલ બની રહ્યું હતું પરંતુ મહાનગર પાલિકાનાં અધિકારીઓની આળસને પરિણામે હોટફિક્સનાં પ્લાસ્ટિકનાં દુષણને નાથી શકાતું ન હતું. આમ આદમી પાર્ટીનાં મહિલા વિંગનાં પ્રદેશ પ્રમુખ પાયલ સાકરિયા અને સ્થાનિક નેતાઓએ મેયરનાં મકાનનો દરવાજાે પ્લાસ્ટિક કચરાથી ઢાંકી દેતાં શાસકો હચમચી ઉઠ્યાં અને આરોગ્ય વિભાગને કડક શબ્દોમાં સૂચના આપતાં અધિકારીઓએ પ્લાસ્ટિક કચરા માટે સમગ્ર શહેરને ધમરોળી નાંખ્યું. તમામ ઝોનનાં અધિકારીઓએ બે દિવસ રીતસર ઝૂંબેશ ઉપાડીને ૧૫૦૦થી વધારે હોટફિક્સનાં ખાતા ચલાવતાં લોકોને નોટિસ ફટકારી.
અગાઉ આરોગ્યમંત્રીએ સૂચના આપી હતી ત્યારે એનાલોગ પનીર, ચીઝ અને બટર માટે મનપાનાં આરોગ્ય વિભાગે સમગ્ર શહેરનાં વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યાં હતાં, ત્યારપછી તાજેતરમાં શિતલ રેસ્ટોરન્ટમાંથી સબ્જી આરોગ્યા બાદ ફુડ પોઇઝનિંગમાં એક બાળકીનું મોત નીપજતાં છેલ્લા ૧૦ દિવસથી શહેરની ૧૫૫૦ હોટલો, રેસ્ટોરન્ટ્સ, ઢાબા, લારીઓમાં ચેકિંગ અભિયાન હાથ ધરીને ૮૧૭ સંસ્થાને નોટિસ ફટકારી ૮૨ને બંધ કરી છે. શહેરમાં કોઇ પણ મોટી ઘટના ઘટે એટલે મહાનગર પાલિકાનાં તંત્ર દ્વારા પહેલું કામ નોટિસ ફટકારવાનું કરવામાં આવે જેથી છટકી જઇ શકાય. ટેક્સ્ટાઇલ માર્કેટમાં આગની ઘટના બને એટલે તમામ માર્કેટોમાં ચેકિંગ કરી નોટિસ ફટકારાય, કોઇ હોસ્પિટલમાં બનાવ બને એટલે મોટાભાગની હોસ્પિટલોમાં તપાસ હાથ ધરી નોટિસ ઇશ્યું કરાય. સચિનનાં પાલી ગામમાં મકાન તૂટી પડતાં નિર્દોષ શ્રમજીવીઓનાં મૃત્યુની ઘટના પછી સુરત શહેરમાં ગેરકાયદે બાંધકામો અને જર્જરિત મકાનો સામે ઝૂંબેશ હાથ ધરી નોટિસો આપવાનો સીલસીલો શરૂ થયો હતો. નોટિસ આપીને સંતોષ માની લેતાં અધિકારીઓ સામે જ જ્યાં સુધી શિક્ષાત્મક પગલાં નહીં ભરાય ત્યાં સુધી વહિવટમાં સુધારો આવશે નહીં. ડભોલી ચાર રસ્તા ખાતે આવેલી સોનાણી-બેલડિયા આંખ અને દાંતની હોસ્પિટલ તદ્દન ગેરકાયદે ધમધમી રહી છે. બે માળની હોસ્પિટલનું બાંધકામ કોઇ કાળે મંજૂર થાય તેમ નથી જેથી કતારગામ ઝોનનાં અધિકારીએ ત્રણથી ચાર વખત નોટિસ આપી પાંચ ઓપીડી સીલ કરીને સંતોષ માની લીધો પરંતુ સમગ્ર હોસ્પિટલને સીલ મારવાની કે બે માળનું બાંધકામ તોડી પાડવાની હિંમત દાખવી નથી. અત્યારસુધીનાં ઝોનલચીફ ધારાસભ્યનાં દબાણ સામે ઝૂકી ગયાં હતાં હવે કડક અને સ્વચ્છ ઇમેજ તેમજ રાજકીય દબાણ સામે નમતું નહીં જાેખવાનું વલણ ધરાવતાં સ્મિત લોઢા કેવું વલણ અપનાવે છે તે જાેવાનું રહ્યું કારણ કે, સ્મિત લોઢાએ દાહોદમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકેનાં કાર્યકાળ દરમિયાન મનરેગા કૌભાંડ ઉજાગર કરી ભાજપનાં નેતાનાં પૂત્રને સકંજામાં લઇને ખળભળાટ મચાવ્યો હતો. સોનાણી-બેલડિયા હોસ્પિટલને ભાજપનાં ધારાસભ્યનાં આશીર્વાદ હોવાથી કતારગામ ઝોનનાં અધિકારી કમલેશ વસાવા હાથ ઉપર હાથ ધરીને બેસી રહ્યાં છે ત્યારે સ્મિત લોઢા બાંય ચઢાવે છે કેમ તે ખબર પડશે.