આજથી અમદાવાદમાં લગ્ન નોંધણી ઑનલાઈન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, જુલાઈ 2026  |   1782

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના આરોગ્ય ભવન, હેલ્થ જન્મ-મરણ-લગ્ન વિભાગ દ્વારા નાગરિકોને વધુ સરળ, સુરક્ષિત, પારદર્શક અને ડિજિટલ સેવાઓ આપવા માટે એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. એએમસી દ્વારા બ્લોકચેન ટેકનોલોજી ના ઉપયોગથી એક નવી ‘લગ્ન એપ્લિકેશન’ તૈયાર કરવામાં આવી છે, જે આગામી ૧ ઓગસ્ટ ૨૦૨૬ થી કોર્પાેરેશનની સત્તાવાર વેબસાઈટ પર કાર્યરત થઈ જશે. જેથી હવે મેરેજ રજિસ્ટ્રેશન માટે દસ્તાવેજની જેમ ટોકન લેવાનું રહેશે, ટોકનની તારીખે રજિસ્ટ્રાર પાસે જવું પડશે.

કોર્પાેરેશનના અધિક આરોગ્ય અધિકારી અને અને રજિસ્ટ્રાર (જન્મ-મરણ-લગ્ન) દ્વારા ૩૦ જુલાઈ ૨૦૨૬ના રોજ એક ઓફિસ સરક્યુલર જારી કરીને તમામ ૪૮ ઇલેક્શન વોર્ડના સબ રજિસ્ટ્રારોને તાત્કાલિક ધોરણે નવી વ્યવસ્થાનો અમલ કરવા કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. જેમાં ૩૦ જુલાઈ ૨૦૨૬ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યા પછી લગ્ન પ્રમાણપત્ર માટે અરજદારો પાસેથી નવી અરજીઓ લેવામાં આવશે નહીં કે કોઈ લગ્નની નોંધણી કરવામાં આવશે નહીં.

૩૦ જુલાઈ ૨૦૨૬ના રોજ બપોરે ૪:૦૦ વાગ્યા સુધીમાં રજિસ્ટરમાં નોંધાયેલા છેલ્લા લગ્ન નોંધણી નંબરની વિગત હેડ ઓફિસને મોકલી આપવાની રહેશે. નવા મોડ્યુલમાં તે પછીના સિરીયલ નંબરથી જ નોંધણી પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે. સિસ્ટમ અપગ્રેડેશન અને નવી ટેકનોલોજીના સેટઅપ માટે ૩૧ જુલાઈ ૨૦૨૬ના રોજ  તમામ વોર્ડ ઓફિસો ખાતે લગ્ન નોંધણીની પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.

નવા પરિપત્ર મુજબ દરેક વોર્ડ સબ રજિસ્ટ્રારે હેડ ઓફિસથી માર્ગદર્શન બોર્ડ/સાઈન બોર્ડ મેળવીને પોતાની વોર્ડ ઓફિસ અને ઝોન ઓફિસ ખાતે નાગરિકોની જાણકારી માટે પ્રદર્શિત કરવાના રહેશે. તમામ સબ રજિસ્ટ્રારોને યુઝર આઈડી અને પાસવર્ડ આપી દેવામાં આવ્યા છે અને ગોપનીયતા જાળવવા માટે પાસવર્ડ તાત્કાલિક બદલી નાખવા આદેશ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી માઈક્રોટેક સોફ્ટવેર દ્વારા ઓનલાઈન લગ્ન પ્રમાણપત્ર આપવામાં આવતા હતા, પરંતુ હવે બ્લોકચેન ટેકનોલોજી આધારિત નવી સિસ્ટમ અમલમાં આવતા લગ્ન રજિસ્ટ્રેશનની કામગીરી વધુ ઝડપી, સુરક્ષિત અને સુવિધાસભર બનશે.આ અંગે હરસિદ્ધિ મેરેજ હોલ ચલાવતા જતીન મહેન્દ્ર કુમાર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા બ્લોકચેન ટેકનોલોજી આધારિત નવું મેરેજ રજિસ્ટ્રેશન પોર્ટલ શરૂ કરવાનો ર્નિણય ખૂબ જ આવકારદાયક છે.

એક મેરેજ બ્યુરો ચલાવતા હોવાના નાતે અમારે દરરોજ અનેક નવયુગલોને લગ્ન નોંધણી અને પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં માર્ગદર્શન આપવું પડતું હોય છે. જૂની સિસ્ટમમાં ઘણીવાર વિલંબ અને ટેકનિકલ ખામીઓનો સામનો કરવો પડતો હતો. બ્લોકચેન ટેકનોલોજીના ઉપયોગથી આખી પ્રક્રિયા વધુ પારદર્શક, ઝડપી અને સુરક્ષિત બનશે, જેનાથી બોગસ રજિસ્ટ્રેશન અટકશે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution