વડોદરા : ડભોઈરોડ પર આવેલા કપુરાઈગામના રાજનગર સોસાયટીમાં રહેતા વિશાલ શનાભાઈ પ્રજાપતિનો ૧૬ વર્ષીય પુત્ર અંકિત વાઘોડિયારોડની અંબે વિદ્યાલયના ધો.૧૦માં અભ્યાસ કરતો હતો. ગઈ કાલે સાંજના સમયે અંકિત મિત્રો સાથે કારમાં ગયા બાદ ભેદી સંજાેગોમાં ગુમ થયો હતો. શહેરમાં કરફ્યુનો અમલ શરૂ થવા છતાં મોડી રાત સુધી અંકિત ઘરે પરત નહી ફરતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા અને તેઓએ સગાસંબંધીઓ તેમજ અંકિતના મિત્રોને ફોન કરીને તેની ભાળ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન આજે સવારે દેણા ગામથી વિરોદ ગામ તરફ જતા સુમસામ માર્ગ પર ખુલ્લા મેદાનમાં એક યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ પડી હોવાની ગ્રામજનોએ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે લાશના ખિસ્સામાંથી મળેલા આઈકાર્ડની ચકાસણી કરતા તે લાશ ગઈ કાલે ભેદી સંજાેગોમાં ગુમ થયેલા અંકિતની હોવાની જાણ થઈ હતી.   

લાશની ઓળખ છતી થતા જ તાલુકા પોલીસે પોસ્ટમોર્ટમ માટે લાશને સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. માત્ર ૧૬ વર્ષના કિશોરની કરપીણ હત્યાના બનાવના તાલુકા પોલીસે ઘનિષ્ટ તપાસ શરૂ કરી પરિવારજનોની પુછપરછ શરૂ કરી હતી જેમાં એવી પ્રાથમિક વિગતો મળી હતી કે અંકિત સોનાની જાડી ચેન પહેરતો હતો. ગઈ કાલે મોડી સાંજે તેનો મિત્ર યોમ ઉર્ફ અનિલ ભરવાડ તેના અન્ય બેથી ત્રણ સાગરીત યુવકો સાથે કાર લઈને અંકિતના ઘરે સોનાની ચેઈન લેવા માટે ગયા હતા. મિત્રોને જાેતા અંકિત સફેદ રંગની નંબરપ્લેટ વિનાની સ્વીફ્ટ કાર જેના આગળના કાચ પર લાલ અક્ષરે મોમાઈ કૃપા લખેલુ હતું અને કાર અનિલ ચલાવતો હતો તેમાં બેઠો હતો અને તે કારમાં બેસતા જ અનિલે કાર હંકારી મુકી હતી. અનિલ ભરવાડ અને તેના સાગરીતોએ કાવત્રુ રચીને અંકિતને કારમાં બેસાડીને લઈ ગયા બાદ આજે સવારે તેની લાશ મળી આવતા આ બનાવની અંકિતની માતા રમીલાબેન ઉર્ફ પ્રેમિલાબેન વિશાલભાઈ પ્રજાપતિએ તેમના પુત્રની યોમ ઉર્ફ અનિલ અને તે બેથી ત્રણ સાગરીતો વિરુધ્ધ તાલુકા પોલીસ મથકમાં પુત્રના હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસે અનિલ ભરવાડની શોધખોળ શરૂ કરી છે.

ગળા, છાતી અને કૂખના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા

અંકિતના લાશના પોસ્ટમોર્ટમમાં તેના ગળાના ભાગે તેમજ છાતીના ભાગે અને જમણી બાજુ કુખના ભાગે ઘા ઝીંકીને તેની કરપીણ હત્યા કરાઈ હોવાની વિગતો મળી હતી. અંકિતના શરીરના અલગ અલગ ભાગમાં તીક્ષ્ણ હથિયારના ઘા વાગ્યા હોઈ તેની હત્યામાં એકથી વધુ આરોપીઓ હોવાનું પોલીસનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે ૧૬ વર્ષનો અંકિત ભલે કિશોર વયનો હતો પરંતું તેનો શારીરીક બાંધો મજબુત હતો જેથી તેની સહેલાઈથી હત્યા કરી નહી શકાય તેવી જાણ હોઈ અનિલે તેની હત્યા કરવા માટે સાગરીતો સાથે પુર્વયોજીત કાવત્રુ રચીને તેને રહેંસી નાખ્યો હોવાનું મનાય છે.

ચેઈનના બદલામાં ફોર્ચ્યુન કારની લાલચમાં જીવ ગુમાવ્યો

અંકિત સામાજિક પ્રસંગો અને તહેવારોમાં સિંહના લોકેટ સહિતનો સોનાનો જાડો અછોડો પહેરતો હતો. ગઈ કાલે અંકિતને તેના મિત્ર યોમ ઉર્ફ અનિલ ભરવાડે ફોન કરીને લગ્નપ્રસંગમાં પહેરવા માટે તેની સોનાની ચેઈન આપવાની માગણી કરી હતી. અંકિતે તેની માતા પ્રેમિલાબેન પાસે ચેનની માગણી કરતા તેમણે કંઈ પણ કરવાની ના પાડી હતી જેમાં અંકિતે ચેનના બદલામાં અનિલ તેની ફોચ્ર્યુનર કાર આપવાનો છે અને તે ચેન લેવા માટે ઘરે આવે છે તેમ જણાવ્યું હતું. માતાને આ કારણ યોગ્ય નહી લાગતા તેણે અંકિતને કંઈ પણ કરવાની ના પાડી હતી જેથી અંકિત રિસાઈને ઘરના ખુણામાં ચુપચાપ બેસી રહ્યો હતો. પુત્રને રિસાયેલો જાેતા માતાએ તેને બગસરાની ખોટા સોનાની ચેન આપી હતી. આશરે સાડાસાત વાગે અનિલ ભરવાડે ફોન કરતા અંકિતે તેને સોસાયટીની અંદર આવવા જણાવ્યું હતું. અનિલ સોસાયટીના નાકા પાસે કારમાં આવ્યો હતો અને કારમાં પાછળના સીટ પર બેસીને માતાની નજર સામે રવાના થયા બાદ આજે સવારે તેની લાશ મળી હતી.

અંકિત તેના ઓરમાન પિતા સાથે રહેતો હતો

અંકિતની માતાએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનું પ્રથમ લગ્ન જગદીશ ભાલિયા સાથે થયું હતું અને પ્રથમ પતિના લગ્નજીવન થકી તેમણે એક પુત્ર અને એક પુત્રી છે જેમાં મોટી પુત્રી ૧૮ વર્ષની છે જયારે નાનો પુત્ર અંકિત ૧૬ વર્ષનો છે. પ્રથમ પતિ સાથે મનમળે ન હોઈ તેમણે છુટાછેડા લીધા હતા અને ત્યારબાદ ગત ૨૦૧૦માં તેણે વિશાલ પ્રજાપતિ સાથે બીજુ લગ્ન કર્યું હતું અને બીજા પતિના લગ્નજીવનથી તેમણે આઠ વર્ષનો પુત્ર છે. માતા અને ઓરમાન પિતા સાથે રહેતો અંકિત ડભોઈરોડ પર ગણેશનગરમાં ટ્યુશનક્લાસમાં જતો હતો અને ગઈ કાલે પણ તે છ વાગે ટ્યુશનક્લાસમાંથી છુટીને ઘરે આવતા જ મિત્ર અનિલ સાથે વાત કરી હતી અને કલાકમાં તેની સાથે રવાના થયો હતો.