વડોદરા

સિંધરોટ પોલીસ ચોકી પાસે પોતાની કાર સચવાય તે રીતે પાર્ક કરીને ભેદી સંજાેગોમાં ગુમ થયેલો બાજવાનો સિવિલ કોન્ટ્રાક્ટર લલિત પરમાર અઠવાડિયા સુધી પોલીસ, પરિવારજનો અને મિત્રોને તેની શોધખોળ માટે ખોટી દોડધામ કરાવ્યા બાદ આજે મોડી સાંજે જાતે ઘરે પરત ફર્યો હતો. જાેકે નાટકિય રીતે ગુમ થઈ જાતે ફરેલા લલિતે પાછા ફર્યા બાદ પણ તેની નૈાટંકી ચાલુ રહી હતી જયારે તેના પરિવારજનોએ એવી હાસ્પાસ્પદ કેફિયત રજુ કરી હતી કે લલિતને કોઈ રિક્ષાવાલો ઘરે છોડી ગયો છે. આ બનાવની તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે આવતીકાલે તેને નિવેદન માટે હાજર રહેવા સુચના આપી છે.

બાજવાના પરબીડિયા ફળિયામાં પત્ની અને બે પુત્રીઓ સહિતના સંયુક્ત પરિવારમાં રહેતો ૩૮ વર્ષીય સિવિલ કોન્ટ્રાક્ટર લલિત જગન્નાથ પરમાર ગત ૧૮મી તારીખના સાંજે કામ માટે બહાર જઉ છુ તેમ કહીને ઘરેથી તેની સફેદ રંગની સ્વીફ્ટ કાર લઈને નીકળ્યો હતો અને મોડી સાંજે કારને સિંધરોટ પોલીસ ચોકી સામે પાર્ક કર્યા બાદ તે ભેદી સંજાેગોમાં ગુમ થયો હતો. આ બનાવની તાલુકા પોલીસ મથકમાં જાણ કરાતા એએસઆઈ સુરેખાબેન સહિતના સ્ટાફે લલિતની શોધખોળ શરૂ કરી તેના પરિવારજનો, ભાગીદાર અને મિત્રોની પુછપરછ કરી હતી તેમજ તેના બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને મોબાઈલ ફોનની કોલ ડિટેઈલની પણ ચકાસણી શરૂ કરી હતી.જાેકે છ દિવસ બાદ લલિતની પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે લલિત મોબાઈલ ફોનમાં ઓનલાઈન સટ્ટો રમતો હતો. આ વિગતો બાદ લલિત આર્થિક કારણોસર જાણીજાેઈને કોઈ સલામત સ્થળે છુપાયાની પોલીસને ખાત્રી થઈ હતી તેમ છતાં પોલીસે તેની શોધખોળ ચાલુ રાખી હતી. દરમિયાન આજે મોડી સાંજે સાત વાગ્યાના અરસામાં લલિત એકાએક સહિસલામત તેના ઘરે પાછો ફરતા પરિવારજનોએ રાહતનો દમ લીધો હતો. જાેકે ઘરે આવ્યા બાદ પણ લલિતની નૈાટંકી યથાવત રહી હતી અને તેણે હું હમણા ટેન્શનમાં છુ તેમ કહીને તે ક્યાં અને કેમ ગયો હતો તે વિશે ચુપકિદી સેવી હતી. બીજીતરફ તેના પરિવારજનોએ પણ એવી હાસ્યાસ્પદ કેફિયત જણાવી હતી કે લલિતને આજે સાંજે કોઈ રિક્ષાવાળો ઘરે છોડી ગયો છે અને અમને બીજુ કંઈ ખબર નથી. આ બનાવની તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે લલિતને આવતીકાલે નિવેદન માટે પોલીસ મથકમાં આવવા માટે જાણ કરાઈ છે.

મિત્રોએ ફાળો ભેગો કરીને લલિતના પોસ્ટરો લગાવ્યા

લલિત પરમારનો કોઈ પત્તો નહી લાગતા તેના મિત્રોએ કામધંધો છોડીને તેને શોધવા માટે પ્રયાસો કર્યા હતા અને તેઓ વડોદરા અને આસપાસના જિલ્લામાં પોતાના વાહનો લઈને ધાર્મિકસ્થળોએ અને હોસ્પિટલોમાં સતત દોડતા રહ્યા હતા. એટલું જ નહી લલિતની ભાળ મેળવવા મિત્રોએ ફાળો ભેગો કરીને લલિત ગુમ હોવાની અને તે કોઈને મળે તો જાણ કરવા માટે ફોનનંબર સહિત લલિતના ફોટાવાળા રંગીન પોસ્ટરો છપાવ્યા હતા અને રાત્રે કડકડતી ઠંડીમાં ફરીને તેને જાહેરસ્થળોએ લગાવ્યા હતા. જાેકે નફ્ફટ લલિતે પોલીસ સાથે મિત્રોને પણ અંધારામાં રાખીને તેઓને ખોટી રીતે દોડાવ્યા હતા.

લેણદારોને ગભરાવવા માટે લલિત પણ તેના ભાઈની જેમ ગુમ થયેલો ? 

લલિત પરમારની જેમ જ તેનો મોટોભાઈ ધર્મેશ પણ થોડાક સમય અગાઉ ઘરેથી ભેદી સંજાેગોમાં ગુમ થતાં તેની જવાહરનગર પોલીસ મથકમાં જાણ કરાઈ હતી. જાેકે તે પણ છ દિવસ બાદ જાતે સહિસલામત ઘરે ફર્યો હતો અને તેણે બેંકમાં બેલેન્સ નહી હોવા છતા લેણદારને ચેક આપ્યો છે અને ઉઘરાણીની બીકે ગુમ થયો હોવાનું જણાવ્યું હતું. આ કિસ્સામાં લલિતને પણ આર્થિક ટેન્શન હોવાનું કહેવાઈ રહ્યું છે જેને પગલે તે પણ તેના મોટાભાઈની જેમ લેણદારોને પોલીસ કાર્યવાહીની આડકતરી બીક બતાવવા માટે તો જાણીજાેઈને ગુમ રહ્યો નથીને ? તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.