લોકસત્તા વિશેષ : ટ્રસ્ટની શાળાઓની ભાડાની રકમ માફ કરવા માટે ભાજપના એક જુથના નેતાના પ્રયાસોને વિરોધી જુથના નેતાએ ખુલ્લી પાડી દેતાં ગાંધીનગરથી બ્રેક વાગી છે. આવતીકાલે મળનાર વર્તમાન બોર્ડની અંતિમ સામાન્ય સભામાં ૨૦૦૮થી ૨૦૨૦ સુધીનું ભાડું જંત્રી  

મુજબની જમીનની કિંમતના ૫૦ ટકા મુજબ ગણી તેના ૬ ટકા લેખે ભાડું વસુલાશે. આ ભાડું વસુલવા ઉપરાંત ૨૦૧૮ની બજાર કિંમત નક્કી કરી ૯૯ વર્ષના ભાડાપટ્ટે મંજુરી આપવાનો ઠરાવ આવતીકાલે મળનાર સામાન્ય સભાની બેઠકમાં થશે.

વડોદરા શહેર ભાજપમાં ચાલતી જુથબંધીના ખેલમાં રોજ નવા વિવાદો સામે આવી રહ્યા છે. આ નવા ખેલમાં ખાનગી ટ્રસ્ટની ત્રણ શાળાઓને ૩૦ વર્ષના ભાડા પટ્ટે આપવામાં આવેલી કરોડો રૂપિયાની બજાર કિંમતની મોકાની જમીનની લીઝ વર્ષ ૨૦૦૮માં પુરી થઈ ગઈ હતી. પરંતુ વાલીઓ પાસેથી જંગી ફી ઉઘરાવી કરોડો રૂપિયા કમાતા ટ્રસ્ટના સંચાલકો દ્વારા કેટલાક રાજકીય નેતાઓને આગળ કરી મફતમાં જમીનની લીઝ લંબાવવા માટેનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો હતો.

પરંતુ થોડા સમય અગાઉ દંતેશ્વરની જમીનના વળતરના વિવાદમાં ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં શાળાઓના ભાડાપટ્ટાની દરખાસ્તનો મુદ્દો પણ ચર્ચાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે આ શાળાઓના ભાડાને બચાવવા માટે મેદાને પડેલા ભાજપના જ એક મોટા નેતાની વાતને પારખી જઈ અગાઉના બાકી ભાડાની પહેલી વસુલાત માટેના આદેશ આપ્યા હતા. આ બેઠકમાં શાળાઓના બચાવમાં ઉતરેલા નેતાના વિરોધી ગણાતા નેતાએ ધારદાર દલીલો કરતાં સમગ્ર બાબત પરથી પડદો પણ ઉચકાયો હતો.

મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખના આદેશ અનુસાર જ આવતીકાલે મળનાર કોર્પોરેશનની સામાન્ય સભાની બેઠકમાં ૨૦૦૮થી ૨૦૨૦ સુધીનું ભાડું જંત્રી મુજબની જમીનની કિંમતના ૫૦ ટકા મુજબ ગણી તેના ૬ ટકા લેખે ભાડું વસુલાશે. આ ભાડું વસુલવા ઉપરાંત ૨૦૧૮ની બજાર કિંમત નક્કી કરી ૯૯ વર્ષના ભાડા પટ્ટે મંજુરી આપવાનો ઠરાવ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

નેતાએ મિત્રતા નિભાવવા વાત ઊંધા પાટે ચઢાવી

ટ્રસ્ટની શાળાઓના ભાડા પટ્ટાની રકમ બચાવવા માટે મેદાનમાં પડેલા ભાજપના એક મોટા ગજાના નેતાએ એક મિત્રની મિત્રતા નિભાવવા માટે આખી વાતને ઉંધા પાટે ચઢાવી હતી. પોપનું ઉપનામ ધરાવનાર આ વ્યક્તિ માટે કરવામાં આવી રહેલા બચાવમાં ગાંધીનગર ખાતે વિરોધી નેતાએ આ મોટા નેતા માટે કપરી સ્થિતિ પણ ઉભી કરી દીધી હતી.

દરખાસ્ત મંજૂર થયા બાદ ભાડાની વસૂલાત જરૂરી

હાલ સામાન્ય સભામાં આવેલી દરખાસ્તમાં ભાડું વસુલાત કરવાની વાત કરવામાં આવી છે. પરંતુ તેની સાથે આ ટ્રસ્ટની શાળાઓને આગામી ૯૯ વર્ષ માટે જમીન ભાડા પટ્ટે આપવાની પણ વાત કરવામાં આવી છે. ત્યારે આવતીકાલે મળનાર સામાન્ય સભામાં ઠરાવ થયા બાદ કમિશનરે આ શાળાઓ પાસેથી નક્કી કરેલું ૨૦૦૮થી ૨૦૨૦ સુધીનું ભાડું અને ત્યાર બાદ આગામી ૯૯ વર્ષ માટેની કિંમતની વસુલાત કર્યા બાદ જ જે તે સંસ્થાઓ સાથે કરાર કરી શકાશે તેમ જાણકારોનું માનવું છે.

એક જૂથ પ્રદેશ નેતાગીરી સમક્ષ ખૂલ્લું પડી ગયું

દંતેશ્વરની જમીનના વિવાદમાં પ્રદેશ મોવડી મંડળે મધ્યસ્થી કરવાની ફરજ પડી હતી. પરંતુ મધ્યસ્થીની બેઠકમાં ભાજપના એક જુથ દ્વારા દંતેશ્વરની જમીન અને શાળાઓની જમીનના વિવાદમાં વિરોધાભાસી વાતો મુકવામાં આવતા તેઓ પ્રદેશ નેતાગીરી સમક્ષ ખુલ્લા પડી ગયા હતા. જાેકે સમગ્ર વાત સમજી ચુકેલા પ્રદેશ મોવડી મંડળે શાળાઓ પાસથી ભાડાની વસુલાત કરવાનો આદેશ આપ્યો હતો.