વડોદરા, તા. ૩

વિદ્યાર્થિની પર ખુદ સંચાલક દ્વારા બળાત્કાર અને રિસર્ચની યુવતી પર ખુદ પ્રોફેસર દ્વારા છેડતી કરી બળાત્કારના ગુનાઓના કારણે બદનામ થયેલી વાઘોડિયાની પારુલ યુનિ.માં અભ્યાસ કરતા ૨૨ વર્ષીય યુવકે પારુલ યુનિ.ના આવેલા હોસ્ટેલના ત્રીજા માળેથી આપઘાત કરવાના ચકચારભર્યા બનાવમાં પારુલ યુનિ.ની કાળી કરતુતો હવે સપાટી પર આવી રહી છે. ૧લી તારીખે રાત્રે યુવકે ત્રીજા માળેથી નીચે છલાંગ માર્યા બાદ પણ તે જીવતો હતો અને જાતે બેઠો થયો હોવાના એક્સક્લુઝીવ ફુટેજ ‘લોકસત્તા-જનસત્તા’ને સાંપડ્યા છે. ઈજાગ્રસ્ત યુવકને પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં લઈ જવાયા બાદ તેનું મોત થયાના ૧૩ કલાક સુધી પારુલ યુનિ.ના સત્તાધીશોએ સમગ્ર મામલો દબાવી રાખ્યો હતો અને યુવકનું મોત થયા બાદ આખરે તેના પિતાને આ બનાવની વાઘોડિયા પોલીસને જાણ કરવાની ફરજ પડતા પારુલ યુનિ.ના સત્તાધીશોની એવી તો શું બીક હતી કે આવા ગંભીર બનાવમાં પણ ચૂપકિદી સેવી તે પ્રશ્ન ચર્ચાના ચગડોળે ચઢ્યો છે.

મુળ રાજસ્થાનના પાલીના વતની નરેન્દ્રસીંગ રાજપુરોહિત હાલમાં વસલાડના ધરમપુર ખાતે રાજલક્ષ્મી ચેમ્બરમાં પરિવાર સાથે રહે છે. તેમના બે પુત્રો વાઘોડિયાના લીમડા ખાતે આવેલી વિવાદાસ્પદ પારુલ યુનિ.ના અલગ અલગ શાખામાં અભ્યાસ કરતા હોઈ તેઓ યુનિ. પાસે આવેલા અટલ ભવન હોસ્ટેલમાં રહેતા હતા. દરમિયાન તેમનો ૨૨ વર્ષીય પુત્ર સૈારભ જે હોટલ મેનેજમેન્ટના પ્રથમવર્ષમાં અભ્યાસ કરતો હતો તેણે ગત ૧લી તારીખના રાત્રે ૮.૩૦ વાગે તેના હોસ્ટેલના ત્રીજા માળેથી ભેદી સંજાેગોમાં નીચે છલાંગ મારી હતી. ઉંચાઈ પરથી પટકાતા તેના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને તુરંત પારુલ યુનિ. સાથે સંકળાયેલી પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં ખસેડાયો હતો જયાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જાેકે આ બનાવની બીજી તારીખના સવારે ૯.૦૫ વાગે વાઘોડિયા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

આ સમગ્ર ઘટનાક્રમના પગલે પારુલ યુનિ.ના સત્તાધીશોએ માસુમ વિદ્યાર્થિના મોતના બનાવમાં પણ માનવતા નેવે મુકી દીધી હોવાની વિગતો હવે સપાટી પર આવી રહી છે. સામાન્ય રીતે સરકારી કે ખાનગી હોસ્પિટલમાં જાે હુમલો ,હત્યા, અકસ્માત, આપઘાત કે આપઘાતનો પ્રયાસ સહિત મેડિકો લીગલના લગતા બનાવ હોય તો આવા બનાવનો દર્દી હોસ્પિટલમાં આવે એટલે તુરંત બનાવ જ્યાં બન્યો હોય તે વિસ્તારની પોલીસને હોસ્પિટલના મેડિકો લીગલ ઓફિસર કે તે કક્ષાના અન્ય જવાબદાર અધિકારી દ્વારા ફોન જાણ કરવામાં આવતી હોય છે જેથી પોલીસ હોસ્પિટલમાં આવીને તુરંત તપાસ શરૂ કરી શકે.આ કેસમાં સૈારભ ત્રીજા માળેથી પટકાયા બાદ માથામાં ઈજા થતાં લોહીલુહાણ થયો હતો પરંતું ત્યારબાદ અન્ય વિદ્યાર્થિઓ તેની મદદે દોડી આવતા તેણે માથે બાંધેલું કપડું હટાવવાનું કહી તે જાતે બેઠો પણ થયો હતો, આમ તે ઉંચાઈ પરથી પડ્યા બાદ પણ જીવતો હતો અને તે પછી તેને હોસ્પિટલમાં લઈ જવાયો છે તેના એક્સક્લુઝીવ ફુટેજ ‘લોકસત્તા-જનસત્તા’ને સાંપડ્યા છે. જાેકે નવાઈ વચ્ચે હોસ્પિટલમાં લઈ જવાયા બાદ પણ પારુલ સેવાશ્રમ હોસ્પિટલ દ્વારા આ ગંભીર બનાવની વાઘોડિયા પોલીસને કોઈ જ જાણકારી અપાઈ નહોંતી. એટલું જ નહી સૈારભના પરિવારજનો મોડી રાત્રે વાઘોડિયા ખાતે દોડી આવ્યા બાદ સારવાર દરમિયાન સૈારભનું મોત નિપજતા આખરે તેના પિતા નરેન્દ્રસિંહને સવારે ૯.૦૫ વાગે આ બનાવની વાઘોડિયા પોલીસ મથકમાં સત્તાવાર જાણ કરવાની ફરજ પડી હતી. આ બનાવમાં હોસ્ટેલની રૂમમાં ચેકિંગ દરમિયાન સૈારભ માદક દ્રવ્યના જથ્થા સાથે ઝડપાતા તેની સિક્યુરીટી ગાર્ડ સાથે રકઝક થઈ હોવાની અને ત્યારબાદ સૈારભની મારપીટ થઈ હોવાની અને ખેંચતાણમાં સૈારભ ત્રીજા માળેથી પટકાયો હોવાની વાત હોસ્ટેલ કેમ્પસમાં ચર્ચાઈ રહી છે. હવે સૈારભની ત્રીજા માળેથી છલાંગ અને ત્યારબાદ હોસ્પિટલમાં ચુપચાપ સારવાર અને તેના મોત બાદ બનાવની વાઘોડિયા પોલીસને જાણ કરવાનો સિલસિલો સપાટી પર આવતા હોસ્ટેલ કેમ્પસમાં ચાલતી ચર્ચાને સ્પષ્ટ સમર્થન મળી રહ્યું છે. ચર્ચા મુજબ જાે સૈારભ પર સિક્યુરીટી ગાર્ડે હુમલો કર્યો હતો કે તેને ધમકી આપી હતી એટલે તેણે જાતે છલાંગ લગાવી હોય તો પારુલ યુનિ.ના સત્તાધીશો સહિત જવાબદાર સ્ટાફ અને સિક્યુરીટી ગાર્ડ વિરુધ્ધ પોલીસ આપઘાતની દૂષ્પ્રેરણાનો ગુનો કેમ નોંધતી નથી. આ બનાવમાં જાે સિક્યુરીટી ગાર્ડે સૈારભને ધક્કો મારતા તે નીચે પટકાયો હોવાની પણ એક વાત ચર્ચાતી હોય આ ચર્ચા જાે સાચી હોય તો તો પારુલ યુનિ.ના સત્તાધીશો સહિત જે તે જવાબદારો સામે હત્યાનો પણ ગુનો નોંધાઈ શકે છે. જાેકે વાઘોડિયા પોલીસ જે રીતે પારુલ યુનિ.ના સત્તાશીધોને બચાવવાનો કાયમ અથાગ પ્રયાસ કરતી હોઈ આ કેસમાં પણ પોલીસ ભીનું જ સંકેલ્યું છે જેથી સૈારભે ખરેખરમાં આપઘાત કર્યો છે કે પછી તેને કોઈએ આપઘાતની દૂષ્પ્રેરણા આપી છે કે તેની હત્યા થઈ છે તેનું રહસ્ય તેના મોતના પગલે અકબંધ રહ્યું છે.

ઘોડા છૂટ્યા પછી પોલીસ તબેલાંને તાળાં મારવા નીકળી

સૈારભના આપઘાતના બનાવમાં તેના રૂમમાં કોઈ અંતિમચિઠ્ઠી છે કે કેમ અને તેણે છેલ્લે મોબાઈલ ફોન પર કોની સાથે વાત કરી હતી અને જાે તે ડ્રગ્સ એડીક્ટ હતો તો તે કોની કોની સાથે સંપર્કમાં હતો તે તમામ મુદ્દાનો જવાબ સૈારભની રૂમમાં મુકેલા સામાનની ચકાસણી કરી તેમજ ફોનની કોલ્સ ડિટેઈલ અને ફોટા-વિડીઓની તપાસ દરમિયાન સપાટી પર આવશે તેમ મનાતું હતુ. જાેકે પારુલ યુનિ. અને પારુલ હોસ્પિટલના સંચાલકોએ આયોજનપુર્વક સૈારભના મોત સુધી પોલીસને કોઈ જ જાણ ના કરી અને પોલીસને જયારે જાણ થઈ ત્યારે પોલીસ પોસ્ટમોર્ટમની કામગીરીમાં વ્યસ્ત થઈ હતી. આ દરમિયાન સૈારભના પરિવારજનો મૃતદેહ સાથે રૂમમાંથી સૈારભનો સામાન અને એપલનો આઈફોન પણ પોતાની સાથે લઈને વતન પાલી રવાના થઈ ગયા બાદ વાઘોડિયા પોલીસે તેના રૂમમાં તપાસ કરી હતી અને અપેક્ષા મુજબ પોલીસને ત્યાંથી પુરાવા રૂપે કોઈ ચીજ નહી મળતા પોલીસ માટે ઘોડા છુટ્યા બાદ તબેલાના તાળા મારવા જેવો ઘાટ ઘડાયો છે.

સૌરભના મરણોન્મુખ નિવેદનથી ફસાઈ જવાની બીકે ચૂપકીદી સેવી

સૈારભ ઈજાગ્રસ્ત હોવા છતાં તે વાતચિત કરી શકતો હતો જેથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડાઈંગ ડીકલેરેશન (મરમોન્મુખ નિવેદન)માં તેની પર સિક્યુરીટી ગાર્ડે હુમલો કરતા તે બચાવના પ્રયાસમાં પડી ગયો અથવા તો તેને ખુદ સિક્યુરીટી ગાર્ડે જ ફેંકી દઈ તેની હત્યા કરી છે તેવુ કદાચ પોલીસને નિવેદન આપે તો પારુલ યુનિ.ના સંચાલકો , ચેકિંગ કરવા આવેલો સ્ટાફ અને સિક્યુરીટી ગાર્ડ સામે હત્યાની દૂષ્પ્રેરણા કે હત્યાનો ગુનો નોંધાય તેવા સંજાેગો ઉભા થયા હતા. જાે સૈારભનું મોત થાય તો આ સમગ્ર વાત પર કાયમ માટે પડદો પડી જાય તે માટે સત્તાધીશોએ તેના મોતની રાહ જાેઈ હતી અને તેના મોત બાદ પણ ભવિષ્યમાં કાનુની કાર્યવાહીથી બચવા માટે સૈારભના પિતાને પોલીસને જાણ કરવા માટે આગળ ધરી દીધા હોવાનું જાણકારોનું માનવુ છે.

સૌરભ પડ્યા બાદ મિત્રોને શું કહ્યું? તેની તપાસ થાય તો રહસ્ય ઉકેલાશે

સૈારભે તેના હોસ્ટેલના રૂમના ત્રીજામાળેથી કથિત આપઘાત કરતા અગાઉ અને નીચે પટકાયા બાદ પણ તેને મદદગારી કરનાર મિત્રો સાથે બેઠો થઈ વાતચિત કરી હતી. આ વાતચિતમાં તેણે જાતે છલાંગ લગાવી ? તે અકસ્માતે નીચે પટકાયો છે ? તે સિક્યુરીટી ગાર્ડ સાથે ઝપાઝપીમાં નીચે પટકાયો છે કે સિક્યુરીટી ગાર્ડે જ તેને ધક્કો મારતા તે નીચે પટકાયો છે ? તેની જાણકારી આપી હોવાની ચર્ચા છે. જાેકે પોલીસે આ દિશામાં તપાસ કરવાના બદલે સૈારભે નીચે છલાંગ લગાવીને જાતે આપઘાત કર્યો હોવાની નોંધી કરી મામલો રફેદફે કરી દીધી છે.