દિલ્હી-

પેટ્રોલ-ડીઝલના ભાવ દેશમાં ૨૫ મહિનાના ઉપલા સ્તર પર પહોંચી ગયા છે. છેલ્લા ૧૧ દિવસથી ઓઇલ કંપનીઓ સતત ભાવ વધારી રહી છે. નોંધનીય છે કે 11 દિવસમાં ઓઇલના કિંમતો લગભગ 1.50 રૂપિયા પ્રતિ લીટર સુધી વધી ગઈ. સરકારી ઓઇલ કંપનીઓ એ આજે બુધવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ માં વધારો કર્યો છે. તેને કારણે દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ 82.49 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 72.65 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. બીજી તરફ મધ્ય પ્રદેશમાં પેટ્રોલનો ભાવ 90 રૂપિયા પ્રતિ લીટરથી પણ વધી ગયો છે.

બીજી તરફ ડીઝલનો ભાવ 81 રૂપિયા પ્રતી લીટરની નજીક પહોંચી ગયો છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઐતિહાસિક ઘટાડા બાદ લોકો રાહતની આશા રાખી રહ્યા હતા. પરંતુ લોકોને કેન્દ્ર સરકારે આંચકો આપ્યો હતો. સરકારે પેટ્રોલ પર 10 રૂપિયા અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટર એકસાસાઇઝ ડ્યૂટી વધારી દીધી હતી. આ પહેલા વર્ષે 2014માં પેટ્રોલ પર ટેકસ 9.48 રૂપિયા પ્રતિ લીટર હતો અને ડીઝલ પર 3.56 રૂપિયા. નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 સુધી કેન્દ્ર સરકારે તેમાં નવ વાર વધારો કર્યો. આ 15 સપ્તાહમાં પેટ્રોલ પર ડ્યૂટી 11.77 અને ડીઝલ પર 13.47 રૂપિયા પ્રતિ લીટર વધી હતી.