વડોદરા, તા.૨૮  

વડોદરા મહાનગર પાલિકામાં આઉટ ગ્રોથના સાત ગામોના સમાવેશ સામે દિવસે દિવસે ઉગ્ર જનાક્રોશ ભભૂકી રહ્યો છે.જેને લઈને આજે રવિવારના દિવસે સાત પૈકી પાંચ ગામોના ગ્રામજનોએ પોતપોતાના ગામોમાં દેખાવો યોજ્યા હતા.રાજ્ય સરકારના સહારે અને પૂર્વ તૈયારીના ભાગરૂપે પુનઃ મહાનગર પાલિકાઓમાં સત્તાની વૈતરણી પાર કરવાને માટે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના સમાવેશ સામે ગ્રામજનોનો વિરોધ ઉગ્ર બનતો જાય છે.એમાંય સેવાસી ખાતે પાદરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનુમામાની હાજરીમાં વિરોધ સહ ચક્કાજામ અને પૂતળા દહન કરવામાં આવ્યું હતું,જેને લઈને ભાજપના જ બે જૂથો વચ્ચે આ ગામોના સમાવેશ મામલે સીધા ભાગલા પડયાનું રાજકીય મોરચે સંભળાઈ રહ્યું છે.તો બીજી તરફ બિલ ગામ અને એની ફરતેના સોસાયટી વિસ્તારો વચ્ચે ઉભા ભાગલા પડાવવામાં શાસક પક્ષ સફળ રહ્યું છે. જેને લઈને ગ્રામજનોના આ આંદોલનને ભાગલા પાડીને તોડી પાડવાના મૂળિયા નંખાઈ ગયાનું ચર્ચાઈ રહ્યું છે.આ સંજોગોમાં આગામી દિવસોમાં બિલની માફક અન્ય ગ્રામ વિસ્તારોમાં પણ આજ રીતે સ્ટ્રેટેજી અપનાવીને ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો અને એની આસપાસમાં આવેલ સોસાયટીઓના નાગરિકો વચ્ચે ભાગલા પડાવીને ગ્રામજનોને એકલા પાડી દઈને આંદોલનને કચડી નાખવામાં આવશે એમ મનાય છે.રવિવારે સવારે સેવાસી,બપોરે વેમાલી અને સાંજે વડદલા ખાતે ગ્રામજનોએ દેખાવો યોજ્યા હતા. સેવાસિમાં ગ્રામજનો દ્વારા ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનુમામાની હાજરીમાં વિરોધ કરી ચક્કાજામ કરાયું હતું.તેમજ પૂતળા દહન કર્યું હતું. 

જો ઇકે બિલમાં સોસાયટીના રહીશોએ કોર્પોરેશનમાં રહેવાનો નિર્ણય કર્યો છે.જેમાં બિલ ગામની ગ્રામ પંચાયતને અલગ રાખતા બે જૂથ પડી જતા આગામી દિવસોમાં બંને જૂથ વચ્ચે સંઘર્ષના એંધાણ વર્તાઈ રહ્યા છે.આમાં પ્રમુખ રોલ બિલ કલાલી સોસાયટી કમિટીના પ્રમુખ શિરીષ મહિડાનો હોવાનું જાણવા મળ્યું છે.જો કે ત્યાં પણ મહિલાઓ સહિતના ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.