અમદાવાદ-

કોરોના વૅક્સીન મળી આવ્યા બાદ જીવલેણ વાઈરસ સામેની જંગ નિર્ણાયક તબક્કા પર પહોંચી ચૂકી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોની સંક્રમિતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ સાથે જ ગુજરાતમાં રસી લેનારા લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે આવેલી વૅક્સીનને રાજ્યના બે લાખથી વધુ લોકોએ લઈ લીધી છે. શુક્રવારે ૧૩૦૦થી વધુ વૅક્સીનેશન સેન્ટર્સ પરથી લગભગ ૫૭ હજાર જેટલા કોરોના વૉરિયર્સને આ રસી આપવામાં આવી. ગુજરાત સરકારના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, શુક્રવારે રાજ્યમાં વૅક્સીનેશનનો આઠમો દિવસ હતો.

ગત ૧૬ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલા રસીકરણ અભિયાન બાદ દિન-પ્રતિદિન વૅક્સીન લેનારા લોકોની સંખ્યા વધતી રહી છે. શુક્રવારે ૧૩૮૭ સેન્ટર્સ પરથી કુલ ૫૬,૯૩૫ સ્વાસ્થ્ય કર્મચારીઓને વૅક્સીન આપવામાં આવી. આ આંકડો અત્યાર સુધીનો સૌથી વધુ છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાની વૅક્સીન લેનારા લોકોની સંખ્યા વધીને ૨,૧૨,૭૩૭ પર પહોંચી ચૂકી છે. સ્વાસ્થ્ય વિભાગનો દાવો છે કે, બે લાખથી વધુ લોકોના વૅક્સીન લેવા છતાં કોઈ પણ વ્યક્તિને સાઈડ ઈફેક્ટની ગંભીર ફરિયાદ સામે નથી આવી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે ૮૦૦થી વધુ લોકોએ કોરોના વૅક્સીન લીધી છે. અહીં અત્યાર સુધીમાં ૨ હજારથી વધુ લોકો વૅક્સીન લઈ ચૂક્યા છે. હવે વૅક્સીન લેનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે.