આણંદ, તા.૧ 

આણંદ શહેરનાં મદ્રેસા હાઇસ્કૂલ સંકુલ ખાતે કોરોના સંક્રમિત થયેલાં દર્દીઓ માટે ૭૫ બેડ સાથેનું ક્વોરન્ટીન સેન્ટર જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમારનાં શુભ હસ્તે કાર્યરત કરવામાં આવ્યું છે. આણંદમાં આ પહેલું એવું ક્વોરન્ટીન સેન્ટર હશે, જેને મુસ્લિમ સમાજ અને સમાજના યુવાનોએ મદ્રેસા હાઇસ્કૂલ ટ્રસ્ટના સહયોગથી કાર્યરત કર્યું છે. કલેક્ટર આર.જી.ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમારે સેન્ટરની મુલાકાત લઈને વ્યવસ્થાની ચકાસણી કરી હતી. સાથે જિલ્લા આરોગ્ય વિભાગનાં અધિકારી અને આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 

આસિમ ખેડાવાળાએ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મળેલાં સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ જિલ્લા આરોગ્ય વિભાગનાં પેરા મેડિકલ સ્ટાફ અને અધિકારી ના સહયોગ ને આવકાર્યો હતો. આ સેન્ટરને કાર્યરત કરવામાં મહત્વનું યોગદાન આપનારા મુસ્લિમ સમાજના આગેવાનો મુનીર બાવા સૈયદ, મોહસિન ગામડી, ઝુબેરભાઈ ગોપાલાણી અનવર શેખ, અફજલ વોરા, મોલના સાજીદ, આસીમ ખેડા વાલા, સિરાજમિયાં કુરેશી તથા સમાજનાં તમામ લોકોનો સહયોગ પ્રાપ્ત થયો હતો.મુસ્લિમ વિસ્તારમાં અને મદ્રેસા હાઇસ્કૂલ સંકુલ ખાતે ક્વોરન્ટીન સેન્ટર કાર્યરત થવાથી સારવાર માટે નજીક પડશે. આ સેન્ટરને મરહૂમ મોલાના અબ્દુલ હક સાહેબના દીકરા અફઝલ ભાઈ અને હાજી ફિરોજભાઈ બાલિંટાવાળા તરફથી બે નવી એમ્બ્યૂલન્સ ભેટ આપવામાં આવી છે. આ ક્વોરન્ટીન સેન્ટરની સમગ્રયતા સંચાલન વ્યવસ્થાની જવાબદારી ૩૬ વર્ષીય યુવા નિવૃત્ત આર્મીમેન મોહસિન વોરા અને તેઓની ટીમ દ્વારા લેવામાં આવી છે. તેઓ ખડે પગે સૌની સેવામાં રહેશે.