દિલ્હી-

કેનેડામાં ભારતીય મૂળના વિધાનસભ્ય રાજ ચૌહાણ બ્રિટિશ કોલંબિયા વિધાનસભામાં સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા છે. આમ તે આ હોદ્દા પર પહોંચનારા પ્રથમ ભારતીય મૂળના વ્યક્તિ બન્યા છે. એમ મીડિયા રિપોર્ટે જણાવ્યું હતું. રાજ ચૌહાણે બ્રિટિશ કોલંબિયા વિધાનસભામાં બર્નેબી-એડમંડ મતવિસ્તારનું પાંચ વખત પ્રતિનિધિત્વ કર્યું છે. તે અગાઉની સરકારમાં ડેપ્યૂટી સ્પીકર હતા અને હવે તે સ્પીકર તરીકે નિવૃત થનારા ડેરિલ પ્લેકાસનું સ્થાન લેશે.

એમ કેનેડિય બ્રોડકોસ્ટિંગ કોર્પોરેશન (સીબીસી)એ સોમવારે જણાવ્યું હતું. પંજાબમાં જન્મેલા ચૌહાણ ૧૯૭૩માં કેનેડા ઈમિગ્રેટ થયા હતા અને તેમણે ત્યાં ખેતરોમાં કામ કરવાનો પ્રારંભ કર્યો હતો. તેમના પર અન્ય વસાહતી કામદારોની વિપરીત સ્થિતિની અને અત્યંત સમુદ્ધ દેશમાં ધનવાનો અને ગરીબો વચ્ચેની વ્યાપક વિસંગતતાની અસર હતી. તેના લીધે તેમણે કામદારોને સામાજિક ન્યાય અને સમાજમાં તેમની હિમાયતમાં મહત્વનું પ્રદાન આપ્યું છે.

એમ ચૌહાણની આત્મકથાને ટાંકીને અહેવાલમાં જણાવ્યું હતું. ઓક્ટોબરની ચૂંટણીમાં ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (એનડીપી)એ બહુમતી સરકાર રચ્યાના ટૂંકા સત્ર પછી બ્રિટિશ કોલંબિયાના રાજકારણીઓ સોમવારે પરત ફર્યા ત્યારે વિધાનસભાની કાર્યવાહીમાં સૌપ્રથમ કામ રાજ ચૌહાણને સ્પીકર તરીકે ચૂંટવાનું કર્યું હતું.