રાજસ્થાન-

આ દિવસોમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) રાજસ્થાનમાં ભ્રષ્ટાચારને કાબૂમાં કરવા માટે ઝડપી કાર્યવાહી કરી રહ્યું છે. ગુરુવારે એસીબીએ ત્રણ સરકારી એન્જિનિયરના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડામાં એસીબીને મળેલી અપાર સંપત્તિ જોઈને બધાના હોશ ઉડી ગયા હતા. ટીમને અધિકારીની જગ્યાએ તેની આવક કરતા 1450 ગણો વધુ સંપત્તિ મળી. દરોડામાં વિદેશી દારૂ,વિદેશી ચલણ અને કરોડો રૂપિયાની અઘોષિત સંપત્તિ મળી આવી હતી.

મળતી માહિતી મુજબ, બાતમી માહિતી મળ્યા બાદ એસીબી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં તેમની આવકમાં અપ્રમાણસર મિલકત હસ્તગત કરવા માટે ત્રણ અધિકારીઓ સામે ત્રણ જુદા જુદા કેસ નોંધીને ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. એસીબીની ટીમે જયપુર, જોધપુર અને ચિત્તોડગઢના ત્રણ અધિકારીઓ સામે કાર્યવાહી કરી હતી.

આવક કરતા 1450 ગણી વધુ સંપત્તિ પ્રાપ્ત થઈ

જયપુરના ડેવલપમેન્ટ ઓથોરિટીના એન્જિનિયર નિર્મલ ગોયલના ઘરે એસીબીએ પહેલા દરોડા પાડ્યા હતા. અહીં મળી આવેલી સંપત્તિથી એસીબીની આખી ટીમ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. નિર્મલ ગોયલના સ્થાન પરથી, ટીમને તેમની આવક કરતા 1450 ટકા વધુ સંપત્તિ મળી. ટીને અહીંથી જયપુરમાં 30 કિલો સોનું, પાંચ લક્ઝુરિયસ કાર અને અનેક કોલોનીના વૈભવી બંગલાની સંપત્તિ જપ્ત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, નિર્મલના ત્રણ બેંક લોકર ખોલવાના બાકી છે.

આ પછી, એસીબીએ ચિત્તોડગઢના જિલ્લા પરિવહન અધિકારી મનીષ શર્માના ઘરે દરોડા પાડ્યા હતા. અહીંથી ટીમને આશરે 2 કરોડના દસ્તાવેજો મળ્યા હતા. અધિકારીઓ દ્વારા એક લાખ રૂપિયાની રોકડ રકમ, ઘણા મોંઘા વાહનો પણ ઘરમાંથી મળી આવ્યા હતા. તેમના ઉદયપુર અને જયપુરમાં એક-એક ફ્લેટ સીલ કરી દેવાયા છે.

ઈન્સ્પેક્ટરના ઘરે દરોડો પાડ્યો

બાદમાં એન્ટી કરપ્શન બ્યુરોએ જોધપુરમાં ઇન્સ્પેક્ટર પ્રદીપ શર્માના સ્થળ પર દરોડા પાડ્યા હતા. સુરસાગર જિલ્લા જોધપુર, ભોપાલગઢ અને બિકાનેર સ્થિત પ્રદીપ કુમાર શર્માના ચાર સ્થળો પર દરોડાઓ ચાલુ છે. શર્માએ તેમની સેવા દરમિયાન ખર્ચ અને સંપત્તિ પર લગભગ 4.43 કરોડનું રોકાણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે, જે તેમની કાયદેસરની આવક કરતા 333 ટકા વધારે છે. શર્મા દ્વારા 10 વિંઘા પરિસરમાં સ્કૂલ અને આશરે 22000 ચોરસ ફૂટમાં બાંધકામ અને ફર્નિચર વગેરે મળી આવ્યું હતું.