વડોદરા, તા. ૧૦

સૌરાષ્ટ્રમાં નશાકાર આયુર્વેદિક શિરપનો મોટાપાયે જથ્થો મળી આવતા વડોદરા શહેરમાં પણ એસઓજી પોલીસ ત્રાટકી હતી અને એસઓજી પોલીસની ત્રણ ટીમો અલગ અલગ દ્વારા રાવપુરા રોડ પર આવેલ ૧૦ થી ૧૨ મેડિકલ સ્ટોરોમાં નશાકાર સિરપનું વેચાણ થાય છે કે નહિ? તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જાેકે પોલીસના આ ચેકિંગમાં કોઇ પણ પ્રકારનો નશાકારક સિરપનો જથ્થો મળી આવ્યો ન હતો. બીજી બાજુ એસઓજી પોલીસના આવા આકસ્મિક ચેકિંગથી શહેરના મેડિકલ સ્ટોરના સંચાલકોમાં ફફડાટ જાેવા મળ્યો હતો.

શહેરના અનેક મેડિકલ સ્ટોરમા કફ સીરપની દવાનો ઉપયોગ નશા માટે થતો હોવાની શંકાના આધારે શહેર એસઓજી પોલીસ દ્વારા આજ રોજ રાવપુરા રોડ પર આવેલ દવાબજારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. શહેરના દવાબજારમાં વેચાતી કફ સિરપનું કેટલીકવાર નશેડીઓ નશાના હેતુસર ઉપયોગ લેતા હોય છે. તેથી તેનું ગેરકાયદેસર વેચાણ કે સંગ્રહ કરવો તે પણ એક ગુનો બની શકે છે. એસઓજી પોલીસ દ્વારા રાવપુરા દવા બજારમાં આવેલ વિવિધ મેડીકલ સ્ટોર ખાતે કફ સીરપના વેચાણ અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીંના વેપારીઓ પાસેથી કફ સીરપની દવાનું સ્ટોક પત્રક માંગવા સાથે તે ગોગ્ય રીતે મેન્ટેન છે કે નહી ? તેની પણ તપાસ કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમ્યાન કોઇ ગેરકાયદેસર કફ સીરપ દવાનો જથ્થો અથવા સંગ્રહ કરેલ સ્ટોક મળી આવ્યો ન હતો. એસઓજી પોલીસ દ્વારા આવા આકસ્મિક ચેકિંગ હાથ ધરતા શહેરના મેડિકલ સ્ટોર સંચાલકોમાં ફફડાટ જાેવા મળ્યો હતો.આકસ્મિક ચેકિંગ અગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. પોલીસે કહ્યું હતું કે, જાે મેડિકલ સ્ટોરના સંચાલક આવા કફ સીરપ દવાનો જથ્થો અથવા સ્ટોકમાં કોઇ પણ પ્રકારની ગેરકાયદેસર રીત જણાશે તો સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આગામી સમયમાં પણ શહેરમાં પોલીસનું ચેકિંગ ચાલુ જ રહેશે

આકસ્મિક ચેકિંગ અંગે એસઓજીના પીઆઇ વી.એસ પટેલે જણાવ્યું હતું કે, આયુર્વેદિક નશાકારક સિરપના વેચાણને લઇને આજે ત્રણ ટીમોએ રાવપુરા દવાબજારમાં મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ કર્યું હતું. અગામી સમયમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે. ચેકિંગ દરમ્યાન કોઇ શંકાસ્પદ દવાઓ મળી આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

સરળતાની મળતી હોવાથી તેનું સેવન કરી નશો કરાય છે ઃ પોલીસ

કેટલાક ઇસમો નાના નાના પ્લાન્ટમાં આ પ્રકારની નશાકારક આયુર્વેદિક સિરપ તૈયાર કરે છે અને માર્કેટમાં ઘુસાડી દે છે અને આ સિરપ સરળતાથી અને સસ્તા ભાવે દરેક મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ હોવાથી નશેડી લોકો તેનું સેવન કરીને નશો કરતા હોય છે.