દીપોત્સવી પર્વ જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ લોકોમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ જામતો જાય છે. નગરજનો નવા વસ્ત્રો, ગૃહસજાવટની ચીજવસ્તુઓ, રાચરચીલું, ફટાકડા વગેરેની ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી રહ્યા છે. દુકાનોમાં મોડી રાત સુધી ખરીદદારોનો ધસારો રહે છે. આ એક એવો તહેવાર છે જેમાં નાના પગારદારોથી માંડીને માલેતુજારો સુધી બધા જ પોતપોતાના ગજા મુજબ ખરીદીમાં રૂપિયાની સરવાણી વહેવડાવે છે, તેથી બજારોમાં રોનક આવી જાય છે. વેપારીઓ આ દિવસોમાં ધૂમ ઘરાકી જામતી હોવાથી ખુશખુશાલ હોય છે. જ્વેલર્સ, કપડાંના વેપારી, સજાવટના સામાનના વેપારી અને નાના-મોટા બધા ધંધાદારીઓ માટે આ દિવસો કમાણી કરવાના હોય છે. તેથી બજારોમાં પણ આ સમય અનેક જાતજાતની અવનવી ચીજવસ્તુઓનું આગમન થાય છે. તસવીરમાં દિવાળીના આગમન પૂર્વે વડોદરાવાસીઓ બજારોમાં ઉમટી પડતા નજરે પડે છે.