વડોદરા,તા.૧૨, 

વડોદરા મહાનગર પાલિકાના વર્તમાન બોર્ડની મુદ્દત રવિવાર ૧૩ ડિસેમ્બરના રોજ પૂર્ણ થાય છે. પરંતુ પાલિકામાં ૧૨ અને ૧૩ ડિસેમ્બરના રોજ બીજા શનિવાર અને રવિવારને લઈને કચેરીઓમાં રજા હોવાથી બંધ છે. આને કારણે પાલિકાના વર્તમાન બોર્ડના તમામ નેતાઓએ મુદ્દત પૂર્ણ થતા પોતપોતાને પાલિકા દ્વારા ફાળવવામાં આવેલા વાહનો જમા કરાવવાના છે. જેના ભાગરૂપે નેતાઓ દ્વારા પાલિકાના વાહનો જમા કરાવવાના શ્રીગણેશ કરી દેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે સૌ પ્રથમ પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ સતિષ પટેલ દ્વારા તેઓને પાલિકા દ્વારા ફાળવવામાં આવેલ કાર પરત કરી દેવામાં આવી છે. તેઓએ છાણી સ્થિત એસ્સારના પેટ્રોલ પમ્પ ખાતે આ કારણે લોગબુક સાથે પરત કરી દીધી હતી. જેને પાલિકાના સબંધિત વિભાગ દ્વારા પરત લઇ લેવામાં આવી છે. જાે કે એ સિવાયના બાકીના તમામ હોદ્દેદારો આવતીકાલે રવિવારે ૧૩ ડિસેમ્બરના રોજ કાઉન્સીલરોની મુદ્દત પૂર્ણ થાય છે. એ દિવસે પોતપોતાને પાલિકા દ્વારા આપવામાં આવેલ કાર સહિતના વાહનોને પરત કરશે એમ પાલિકાના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું. હવે આ નેતાઓ પાલિકાના સરકારી લાલ લાઈટવાળા વાહનને બદલે તેઓની ખાનગી કારમાં ફરતા શહેરીજનોને જાેવા મળશે.