આણંદ : આણંદ નગરપાલિકાની ચૂંટણીમાં સોમવારે ફોર્મ ચકાસણી હાથ ધરાતાં ૧૯૩ ફોર્મમાંથી ૩૮ ફોર્મ વિવિધ કારણોસર રદ્દ થયાં હતાં. આ સાથે જ વોર્ડ નંબર ૮માંથી ભાજપનાં બંને મહિલા ઉમેદવારો બિનહરિફ થયાં હતાં. વોર્ડ નંબર ૮માં કોંગ્રેસે એક જ મહિલા ઉમેદવારને મેદાનમાં ઊતાર્યાં હતાં, પણ તેમનું ફોર્મ ટેકેદારની સહી નહીં હોવાને કારણે રદ્દ થયું હતું. પરિણામે આ બે બેઠક પર ભાજપના ઉમેદવારો નેહલબેન પટેલ અને મમતાબેન પટેલ બિનહરીફ વિજેતાં થતાં મહિલાશક્તિએ પહેલું ખાતું ખોલાવ્યું હતું.

વધુમાં સૂત્રોના જણાવ્યાં મુજબ, કોંગ્રેસને વધુ એક ફટકો વોર્ડ નંબર ૯માં પણ પડ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર નીલમબેન ક્રિશ્ચિનના મેન્ડેટમાં ભૂલ હોવાને કારણે તેમનું પણ ઉમેદવારીપત્ર રદ્દ થયું છે. જાેકે, સામે ભાજપને પણ એક વોર્ડમાં ફટકો પડ્યો છે. વોર્ડ નંબર ૪માં અનુસુચિત આદિજાતીની બેઠક પરથી મેદાનમાં ઊતરેલાં ભાજપના ઉમેદવાર ત્રણ સંતાનો ધરાવતાં હોવાથી તેમનું પણ ફોર્મ રદ્દ થયું છે.

આણંદ પાલિકાની ૧૩ વોર્ડની બાવન બેઠકો પૈકી કોંગ્રેસના હવે ૪૮ જ ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે ભાજપના ૫૧માંથી બે બિનહરીફ વિજેતા થયાં છે. વોર્ડ નંબર ૭માં કોંગ્રેસ એક જ મહિલા ઉમેદવારને ફોર્મ ભરાવી શક્યો હોવાથી અહીં પણ કોંગ્રેસને નુક્સાન થયું છે. ભાજપ સમર્થિત આ બંને વોર્ડમાં મહિલાઓનો દબદબો જાેવાં મળી રહ્યો છે.

વોર્ડ નંબર ૧૦માંથી કોંગ્રેસના ઉમેદવાર મુકુંદરાય ગોરધનરાય પટેલની ઉમેદવારી સામે બેંક લોનને લઈને ભાજપ દ્વારા વાંધા ઊઠાવવામાં આવ્યા હતાં. જાેકે, લાંબી ચર્ચા-વિચારણાને અંતે તેમનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારીના જણાવ્યાં મુજબ, ૩૮ ફોર્મ રદ્દ થયાં છે. હવે માન્ય ઉમેદવારોની યાદી વોર્ડ મુજબ તૈયાર કરવામાં આવી રહી છે. પૂત્રવધુ પણ સાસુના પગલે!

આણંદ પાલિકાના વોર્ડ નંબર ૮માંથી બિનહરિફ થયેલાં નેહલબેન પટેલનાં સાસુ સરોજબેન પટેલ પણ વર્ષ ૨૦૦૫ની યોજાયેલી આણંદ પાલિકાની ચૂંટણીમાં બિનહરિફ વિજેતાં થયાં હતાં. અલબત્ત, તેમનો બિનહરીફ ચૂંટાવાનો સિલસિલો હવે પૂત્રવધુએ આગળ ધપાવ્યો હોય તેવું લાગી રહ્યું છે.

આવતીકાલે ફોેર્મ પરત ખેંચાવના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થશે

આવતીકાલે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા આણંદ પાલિકાના બાદ તમામ ૧૩ વોર્ડના ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થશે. જાેકે, હજુ પણ ફોર્મ પરત ખેંચવાના મુદ્દે શામ, દામ, દંડ, ભેદની નીતિ અખત્યાર કરવામાં આવી રહી છે. આજની રાત સુધીમાં નવાં ખેલ પાડીને આવતીકાલે વધુ બેઠક બિનહરિફ થાય તો નવાઈ નહીં.

ઓછામાં ઓછી ૨૦ બેઠક પાલિકામાં બિનહરિફ થઈ જાય તેવાં પ્રયાસો!?

આણંદમાં જાેરશોરથી એક જ ચર્ચા થઈ રહી છે કે, અત્યાર સુધી લોકશાહીથી યોજાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણમાં આ વખતે કંઈ અલગ જ રંગ દેખાઈ રહ્યો છે. આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે આજની રાત કાતિલ રાત બની રહે તો નવાઈ નહીં. પોતાના હરિફને માને તો મનાવીને, લોભ-લાલચ આપીને અને લોભ-લાલચમાં ન આવે તો શામ, દંડ, ભેદની નીતિ અપનાવીને પણ ઘરભેગો કરવાની તૈયારીઓ થઈ ગઈ છે. એવી ચર્ચા પણ છે કે, ઓછામાં ઓછી ૨૦ બેઠક પાલિકામાં બિનહરિફ થઈ જાય તેવાં પ્રયાસો શરૂ કરાયાં છે.

તું અમારી સામે દૂધ પીતું બાળક છે, તેવું કહી માનસિક દબાણ ઊભું કરવાના પ્રયાસ

એક વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા દબાણ કરવામાં આવી રહ્યાંની ચર્ચા નગરમાં જાેરશોરથી ચાલી રહી છે. કોંગ્રેસના ઉમેદવારને - તું અમારી સામે દૂધ પીતું બાળક છે, તેવું કહી જંગી બહુમતીથી હારી જશે એવાં માનસિક તણાવ ઊભો કરવાના પ્રયાસ ચાલી રહ્યાંની ચર્ચા છે. કોંગી ઉમેદવાર દ્વારા વળતો પ્રહાર કરતાં જવાબ આપવામાં આવ્યો હતો કે - તો આવો મેદાનમાં!

પાલિકા વોર્ડ ૮માં બે મહિલા બિનહરિફ થયાં બાદ હવે જિલ્લાના નેતાના સંબંધીને બિનહરિફ કરવા ધમપછાડા!?

આજે આણંદ પાલિકામાં ૧૩ વોર્ડમાં ઉમેદવારોના ફોર્મની ચકાસણી હાથ ધરાઈ હતી, જેમાં વોર્ડ નં.૮માં ભાજપનાં બે મહિલા ઉમેદવાર બિનહરિફ થયાં છે. બીજી બાજુ જિલ્લાના નેતાના પરિવારજનમાંથી ટિકિટ અપાતાં તેને યેનકેન પ્રકારે બિનહરિફ વિજયી બનાવવા ધમપછાડા શરૂ કરવામાં આવ્યા છે.