પતિએ તરછોડતા સગીરાએ ભાવુક વીડિયો બનાવી રિવરફ્રન્ટ પર જિંદગીનો અંત આણ્યો!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, ઓગ્સ્ટ 2026  |   1386

અમદાવાદના રિવરફ્રન્ટ પર આયેશા કેસની યાદો હજુ લોકોના દિલમાં તાજી છે ત્યાં જ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરથી વધુ એક કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારમાં રહેતી એક ૧૭ વર્ષની સગીરાએ પતિના ત્રાસ અને તરછોડાવાના કારણે સાબરમતી નદીમાં કૂદીને જીવન ટૂંકાવી લીધું છે. મોતને વ્હાલું કરતાં પહેલાં સગીરાએ આયેશાની જેમ જ એક ભાવુક વીડિયો બનાવી બહેનને મોકલ્યો હતો, જેમાં તેણે પતિ પ્રત્યેનો આક્રોશ અને દુ:ખ વ્યક્ત કર્યું હતું. મળતી માહિતી મુજબ, નારોલમાં રહેતી સગીરાને આણંદના ફરદીન શેખ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. બંને પરિવારોની સંમતિથી છ મહિના અગાઉ જ તેમના લગ્ન કરાવવામાં આવ્યા હતા. લગ્ન બાદ સગીરા પતિ સાથે આણંદમાં રહેતી હતી. પરંતુ લગ્નના થોડા જ સમયમાં દંપતી વચ્ચે અણબનાવ અને રકઝક શરૂ થઈ ગઈ હતી. ગત ૩ ઓગસ્ટના રોજ પતિ ફરદીને કોઈ કારણોસર સગીરાને ઘરમાંથી કાઢી મૂકી હતી, જેથી તે નારોલમાં પોતાના પિતાના ઘરે આવીને રહેતી હતી. સાસરેથી કાઢી મૂકાયા બાદ સગીરા સતત માનસિક તાણ અને દુ:ખમાં રહેતી હતી. ૧૦ ઓગસ્ટના રોજ ઘરે માતા સાથે હાજર સગીરા પોતાના લગ્નનો આલ્બમ જાેઈને ખૂબ રડી રહી હતી. તેણે પતિ ફરદીનને ફોન કરીને કરગરી હતી કે, “તું જે રીતે કહીશ એ રીતે હું રહીશ, બસ મને પાછી આવવા દે.” પરંતુ ર્નિદય પતિએ તેને સાથે રાખવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. પતિના ઇનકાર બાદ ભાંગી પડેલી સગીરા સવારે ૧૧ વાગ્યા આસપાસ ‘મને ગભરામણ થાય છે, બહાર જઈને આવું છું’ તેમ કહીને ઘરેથી નીકળી ગઈ હતી. ત્યાંથી તે સીધી સાબરમતી રિવરફ્રન્ટ પહોંચી હતી. નદી કિનારે ઉભા રહીને તેણે એક દર્દનાક વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં તેણે પતિને ઉદ્દેશીને કહ્યું હતું કે “મેરી રૂહ તો પહલે હી મર ગઈ થી, આજ શરીર માર રહી હું...” આ વીડિયો પોતાની બહેનને મોકલ્યા બાદ તરત જ સગીરાએ સાબરમતી નદીના ઊંડા પાણીમાં પડી જિંદગીનો અંત આણ્યો હતો.

બીજી તરફ પરિવારજનોએ સગીરાની શોધખોળ શરૂ કરી હતી. બપોરે આશરે ૩ વાગ્યાના સુમારે સાબરમતી નદીમાં એક મૃતદેહ તરતો હોવાની જાણ થતાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે મૃતદેહ બહાર કાઢતા તે સગીરાનો જ હોવાનું ખુલ્યું હતું.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution