વડોદરા

વડોદરા નેશનલ હાઇ વે પર એલઅન્ડટી નોલેજ સિટી નજીક ૧.૩૫ લાખ ચોરસ ફૂટ જમીન પર આકાર લેનારા સરદાર ધામ- મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો પ્રારંભ મુખ્યમંત્રીએ કરાવ્યો હતો. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા નજીક અંખોલ ગામની સીમમાં ૧.૩૫ લાખ ચોરસ ફૂટ જમીનમાં ૫ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં રૂ.૧૦૦ કરોડના ખર્ચે સાકાર થનારા મિશન-૨૦૨૬ હેઠળ આયોજિત સરદાર ધામ મધ્ય ગુજરાત પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો. સરદાર ધામ પબ્લિક ટ્રસ્ટ આયોજિત આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઓનલાઇન જોડાયાં હતા. આ પ્રોજેક્ટમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સમાજ ઉત્કર્ષલક્ષી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેનાર સરદાર ભવનના નિર્માણ સહિતના વિવિધ પ્રયોજનો નો સમાવેશ થાય છે. સંસ્થા દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ભારતીય સનદી સેવા પરીક્ષાની નિઃશુલ્ક તાલીમ, શિક્ષણ માટે વગર વ્યાજની લોન, વ્યાપાર ઉદ્યોગને ઉત્તેજન માટે પાટીદાર ગ્લોબલ સમિટનું આયોજન સહિત સમાજ ઘડતરની અને સમાજના યુવાનોને શિક્ષિત, દીક્ષિત અને વિકસિત કરવા માટેની વિવિધતાસભર પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીના હસ્તે સંસ્થા વતી કિંમતી જમીનોનું સરદારધામ માટે દાન આપનારા દાતા સર્વશ્રી રમેશભાઇ પટેલ, વિપુલભાઇ ગજેરા, પારુલભાઇ કાકડિયા, પ્રભુલાલ ધોળુ, દુષ્યંતભાઇ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતું. તેમણે કહ્યું કે, મધ્ય ગુજરાતના આઠ જિલ્લાઓને આવરી લેતા વડોદરા સ્થિત સરદારધામ ખાતે ૫૦૦ દીકરા ૫૦૦ દીકરીઓને તાલીમ અને અભ્યાસ સાથે રહેવા-જમવાની સુવિધાઓ પૂરી પડાશે. અંદાજે૧૪ કરોડની જમીન પર નિર્માણ પામનાર સરદારધામમાં અઢીથી ત્રણ કરોડના ખર્ચે સરદાર પ્રતિમાનું નિર્માણ કરવામાં આવશે. પારૂલભાઇ કાકડીયાએ સ્વાગત કર્યુ હતું