દુબઇ 

રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 26મી મેચમાં રાજસ્થાન રોયલ્સને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 159 રન ચેઝ કરતાં 4 ઓવરમાં 54 રનની જરૂર હતી. જોસ બટલર, બેન સ્ટોક્સ, સ્ટીવ સ્મિથ, સંજુ સેમસન અને રોબિન ઉથપ્પાના રૂપમાં 5 વિકેટ પડી ગઈ હતી. 13.5ની રનરેટે ટાર્ગેટ ચેઝ કરવાનો હોઈ કોઈ સ્ટાર બેટ્સમેન ઊભો ન હોય અને રાશિદ ખાન જેવા T-20 લિજેન્ડની એક ઓવર બાકી હોય એટલે સ્વાભાવિકપણે રાજસ્થાન જીતે તેવી આશા કોઈને ન હોય.

હા, રાહુલ તેવટિયાએ કિંગ્સ ઇલેવન પંજાબ સામે એક ઓવરમાં 5 સિક્સ મારીને મેચનું રૂપ બદલ્યું હતું, પરંતુ એ પછી તેના પર વન મેચ વન્ડરનું પાટિયું લાગી ગયું હતું. આજે તેણે પરાગ સાથે છઠ્ઠી વિકેટ માટે 7.5 ઓવરમાં 85 રન જોડીને સીઝનમાં બીજીવાર ટીમને હારેલી મેચ જિતાડી. 

ઇનિંગ્સની 18મી ઓવર શરૂ થઇ ત્યારે રનરેટ 12ની હતી. મેચમાં રિઝલ્ટના પોઇન્ટ ઓફ વ્યુથી આ ઓવર મહત્ત્વની હોવાથી કેપ્ટન ડેવિડ વોર્નરે પોતાના મુખ્ય બોલર રાશિદના હાથમાં બોલ આપ્યો. પ્રથમ બોલે સિંગલ લઈને 18 વર્ષીય રિયાન પરાગે તેવટિયાને સ્ટ્રાઇક આપી. 

તેવટિયાએ 'રાહુલ નામ તો સૂના હી હોગા' વાળા સ્વેગથી ફોરની હેટ્રિક મારી. બીજા અને ત્રીજા બોલે રિવર્સ સ્વીપમાં ફોર, જ્યારે ચોથા બોલે એક્સ્ટ્રા કવર પર ચોક્કો માર્યો. પછી પાંચમો બોલ ખાલી ગયો. પાંચમા બોલે તે સ્ટમ્પ થઇ શકતો હતો, રાશિદને કટ કરવા જતાં તેણે માત્ર ઇનસાઇડ એજ મેળવી હતી અને બોલ વિકેટકીપર બેરસ્ટોના પેડને અડીને સ્ટમ્પ પર આવ્યો હતો. લાઈટ થઇ પરંતુ સ્ટમ્પ પરની ઝિંગ બેલ્સ પડી નહીં. નસીબે પણ તેવટિયાનો સાથ આપ્યો. છઠ્ઠા બોલે લેગ બાયનો સિંગલ લીધો. એ પછી કોઈ વાંધો આવ્યો નહીં. 

તેવટિયાએ 19મી ઓવરમાં નટરાજનની બોલિંગમાં ફોર અને સિક્સ મારીને મેચમાં માત્ર ફોર્માલિટી બાકી રાખી હતી. તેણે 28 બોલમાં 4 ફોર અને 2 સિક્સની મદદથી 160.71ની સ્ટ્રાઇક રેટે અણનમ 45 રન કર્યા. આ ઇનિંગ્સ બદલ મેન ઓફ ધ મેચનો અવોર્ડ પણ જીત્યો.


રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથે મેચ પછી કહ્યું, "તેવટિયા દબાણવાળી પરિસ્થિતિમાં ખીલે છે. જે રીતે તેણે પરાગ સાથે મળીને મેચ ફિનિશ કરીને તેના પર અમને ગર્વ છે. અમારા ટોપ-4 ક્લિક ન થાય એ પછી અમે મેચ જીતીએ તે અમારી બેટિંગ ડેપ્થ દર્શાવે છે. આપણે તેવટિયાની બેટિંગ વિશે વાત કરીએ છીએ ત્યારે તેની બોલિંગ અને ફિલ્ડિંગ સ્કિલ્સને ભૂલી જઈએ છીએ."

મેચ પછી ભારતના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગે તેવટિયાના ભરપૂર વખાણ કરતાં કહ્યું, "તેવટિયા એક ક્રાંતિ છે, બોલરોની શાંતિ છે. તેવટિયા એક બાણ છે, રાજસ્થાનનો પ્રાણ છે. અદભુત જીત. યુવા રિયાન પરાગ અને રાહુલ તેવટિયાએ જોરદાર ફાઈટબેક આપી. રાજસ્થાનની શાનદાર જીત."