મુંબઈ

ગુજરાત રાજ્યના પૂર્વ ડિજીપી રહી ચુકેલા શબ્બીર હુસૈનને IPLના એન્ટી કરપ્શન યુનિટ ના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. શબ્બીર હુસૈન એટલે કે એસએસ ખંડવાલા ગુજરાત પોલીસના વડા રહી ચુક્યા છે. તેઓ અજીત સિંહનું સ્થાન લેશે, તેઓનો કાર્યકાળ ૩૧ માર્ચે ખતમ થઈ ચુક્યો છે. જોકે તેઓ નવા ચીફની મદદ માટે કેટલાક દિવસ સુધી પોતાનું કાર્ય જારી રાખશે.

એસએસ ખંડવાવાલાએ આ પદ પર પસંદગી થવાને લઈને ખુશી વ્યક્ત કરી હતી સાથે જ પોતાના માટે આ ગર્વની વાત હોવાનું ગણાવ્યુ હતુ. ૧૯૭૩ના આઈપીએસ અધિકારી એસએસ ખંડવાવાલા આગામી IPL સિઝનની શરુઆત પહેલા જ આ પદ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ગુજરાત રાજ્યના પોલીસ વડા રહી ચુક્યા છે. જે પહેલા તેઓ અમદાવાદ પોલીસ કમિશ્નર પણ રહી ચુક્યા છે. તેઓ વર્ષ ૨૦૧૦માં ગુજરાતના ડીજીપી પદ પરથી નિવૃત્ત થયા હતા.

ખંડવાવાલાએ કહ્યું હતુ કે આ એક ગૌરવની વાત છે કે હું બીસીસીઆઈનો હિસ્સો બની રહ્યો છુ. જે વિશ્વનું સૌથી સારુ ક્રિકેટ સંગઠન છે. સુરક્ષા મામલાના મારા અનુભવનો ફાયદો મને આ નવા કામમાં મળશે. નવી જવાબદારી અગાઉ ખંડવાવાલા એસ્સાર ગૃપના સલાહકાર હતા. તેઓ કેન્દ્ર સરકારની લોકપાલ સર્ચ સમિતિના પણ સદસ્ય રહી ચુક્યા છે. તેઓ બુધવારે ચેન્નાઈ પહોંચશે. આ પહેલા તેઓએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની અંતિમ વન ડે મેચ પણ નિહાળી હતી. અજિત સિંહ રાજસ્થાનના પૂર્વ ડીજીપી રહી ચુક્યા છે અને તેઓ એપ્રિલ ૨૦૧૮માં આ પદ પર નિયુક્ત થયા હતા.