નવી દિલ્હી, તા.૧૬

વિકેટકીપર બેટર ઈશાન કિશન હાલ ભારતીય ટીમમાંથી બહાર છે અને છેલ્લા કેટલાક દિવસોથી ડોમેસ્ટિક ક્રિકેટમાં ન રમવાના કારણે તેનું નામ ચર્ચામાં છે. બોર્ડે તમામ ખેલાડીઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરી હતી, જેની ઈશાન કિશને ફરી એક વખત અવગણના કરતા તેનું કરિયર ખતરામાં આવી ગયું છે અને બોર્ડ તેના પર એક્શન પર લઈ શકે છે.નોંધનીય છે કે ઈશાન કિશનની રણજી ટ્રોફીમાં ગેરહાજરી ચાલુ છે અને તે આજે જમશેદપુરમાં શરૂ થયેલી અંતિમ રાઉન્ડની મેચમાં પણ ટીમનો ભાગ બન્યો ન હતો. હવે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ઈશાન કિશન પર એક્શન લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ બીસીસીઆઈએ ભારતીય ટીમમાં રમી રહેલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ખેલાડીઓએ રણજી ટીમ સાથે જાેડાવા માટે કહ્યું હતું. આ માટે બોર્ડે એક નવી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. બીસીસીઆઈએ કહ્યું હતું કે હવે તે આ માટે કોઈ બહાનું સહન કરશે નહીં. બીસીસીઆઈસેક્રેટરી જય શાહે ૧૪ ફેબ્રુઆરીએ રાજકોટ ટેસ્ટ મેચ પહેલા આની જાહેરાત કરી હતી.જય શાહના આ મેસેજથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી ઈશાન કિશન, કૃણાલ પંડ્યા અને દીપક ચહરને પણ પોતપોતાની ઘરેલું ટીમ સાથે જાેડાવાનું હતું, જેણે રણજી ટ્રોફી છોડીને સીધી જ આઈપીએલની તૈયારી શરૂ કરી દીધી હતી. જાે કે બીસીસીઆઈ સેક્રેટરીના મેસેજની અવગણના કરીને ઈશાન કિશન હજુ પણ રણજી મેચ રમી રહ્યો નથી. ૨૫ વર્ષીય ક્રિકેટર હવે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ન રમી રહ્યો હોવાથી અને માત્ર આઈપીએલ પર ધ્યાન કેન્દ્રિત કરતો હોવાથી, બીસીસીઆઈને રણજી ટ્રોફી મેચો રમવાનું ફરજિયાત બનાવવાની ફરજ પડી હતી.