દુબઇ 

IPL 2020ની 47મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 88 રને હરાવ્યું છે. દિલ્હીની ટીમ દુબઈ ખાતે 220 રનનો પીછો કરતા 19 ઓવરમાં 131 રનમાં ઓલઆઉટ થઇ હતી. આ દિલ્હી સામે હૈદરાબાદની સૌથી મોટી જીત છે. આ પહેલા આ સીઝનની 11મી જ મેચમાં હૈદરાબાદ 15 રને જીત્યું હતું. આ મેચ જીતીને હૈદરાબાદ 10 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. જ્યારે દિલ્હી પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને જતું રહ્યું છે. મુંબઈ અને બેંગલોર 14 પોઈન્ટ્સ સાથે અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને છે. દિલ્હીના પણ 14 જ પોઈન્ટ્સ છે, પરંતુ નેટ રનરેટ ત્રણેય ટીમોમાં સૌથી ઓછી છે.

દિલ્હી લીગમાં સતત ત્રીજી મેચ હાર્યું છે. રનચેઝમાં તેમના માટે ઋષભ પંતે સર્વાધિક 36 રન કર્યા હતા. જ્યારે અજિંક્ય રહાણેએ 26 અને શિમરોન હેટમાયરે 16 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદ માટે રાશિદ ખાને 3, નટરાજન અને સંદીપ શર્માએ 2-2, જ્યારે શાહબાઝ નદીમ, જેસન હોલ્ડર અને વિજય શંકરે 1-1 વિકેટ લીધી.

શિમરોન હેટમાયર 16 રને રાશિદ ખાનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તે પછી અજિંક્ય રહાણે રાશિદની બોલિંગમાં lbw થયો હતો. રહાણેએ 19 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 26 રન કર્યા હતા.

શ્રેયસ ઐયર શંકરની બોલિંગમાં વિલિયમ્સનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 12 બોલમાં 7 રન કર્યા હતા.તે પછી અક્ષર પટેલ 1 રને રાશિદની બોલિંગમાં કાઉ કોર્નર પર સબ્સ્ટિટયૂટ પ્રિયમ ગર્ગ દ્વારા કેચ આઉટ થયો હતો. શિખર ધવન શૂન્ય રને સંદીપ શર્માની બોલિંગમાં મીડ-ઓફ પર વોર્નરના હાથે કેચ આઉટ થયો હતો. તે પછી માર્કસ સ્ટોઈનિસ 5 રને શાહબાઝ નદીમની બોલિંગમાં મીડ-ઓફ પર વોર્નરના હાથે કેચ આઉટ થયો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સ સામે હૈદરાબાદ ખાતે 20 ઓવરમાં 2 વિકેટે 219 રન કર્યા છે. સનરાઇઝર્સ માટે વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ 87, ડેવિડ વોર્નરે 66 અને મનીષ પાંડેએ 44* રનનું યોગદાન આપ્યું. દિલ્હી માટે એનરિચ નોર્ટજે અને રવિચંદ્રન અશ્વિને 1-1 વિકેટ લીધી. આ પહેલા સીઝનમાં આ ગ્રાઉન્ડ પર પંજાબે બેંગલોરને 207 રનનો ટાર્ગેટ આપ્યો હતો.