નવી દિલ્હી 

ભારતીય ક્રિકેટ ટીમે બુધવારે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે મેચમાં શાનદાર વિજય હાંસલ કર્યો હતો. આ સાથે ભારતે વ્હાઇટવોશ તો બચાવી લીધો અને ટીમ ફરીથી ફોર્મમાં આવી ગઈ છે પરંતુ હવે ખરા મુકાબલા શરૂ થવાના છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારથી ટી20 સિરીઝનો પ્રારંભ થશે. 

ભારતે આ મેચ જીતીને ક્લીન સ્વિપ કરવાના ઓસ્ટ્રેલિયાના ઇરાદા પર પાણી ફેરવી દીધું હતું. 303 રનના ટારગેટ સામે રમતાં ઓસ્ટ્રેલિયા 289 રન કરી શકી હતી. આ સાથે ભારતીય ટીમ ફોર્મમાં આવી ગઈ છે અને તે તેના અસલી રંગમાં જોવા મળી રહી છે. હવે બંને ટીમ વચ્ચે શુક્રવારથી ત્રણ મેચની ટી20 સિરીઝનો પ્રારંભ થશે.

બુધવારની સફળતાથી ટીમ ઇન્ડિયાનો આત્મવિશ્વાસ પરત ફર્યો છે. વિરાટ કોહલીની ટીમ હવે પૂરા ફોર્મ સાથે ટી20મા રમશે. આમ જોવા જઇએ તો વર્તમાન ક્રિકેટમાં ટી20નું મહત્વ એટલા માટે છે કેમ કે ભારતને આગામી વર્ષમાં વન-ડે કરતાં ટી20 મેચો વધારે રમવાની છે અને વર્લ્ડ કપમાં પણ રમવાનું છે.

શુક્રવારે કેનબેરામાં જ પહેલી મેચ રમાશે અને ત્યાર બાદ બાકીની બે મેચ સિડનીમાં રમાશે. ભારતે જે રીતે ત્રીજી વન-ડેમાં રમત દાખવી તે જોતાં એમ કહી શકાય કે ટી20માં ભારતીય ટીમ જોરદાર લડત આપશે. તાજેતરમાં જ ભારતના ખેલાડીઓ આઇપીએલમાં રમીને આવ્યા છે તેથી તેમને ટી20માં સારી ફાવટ છે.