રાજકોટ

છેલ્લા 10 મહિનાથી ઘરેલું ક્રિકેટ રમવા માટે તલપાપડ ખેલાડીઓના ઈન્તેજારનો અંત આણતાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ 10 જાન્યુઆરીથી સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફી રમાડવાની જાહેરાત કરી હતી. તાજેતરમાં જ થયેલી આ જાહેરાત બાદ દરેક રાજ્યની ટીમોએ પોતપોતાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. દરમિયાન ગત રણજી ચેમ્પિયન સૌરાષ્ટ્રની ટીમ પણ જાહેર કરી દેવામાં આવી છે અને તેમાં 6 ખેલાડીઓ એવા છે જેમની પહેલી વખત ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ ટીમની કમાન જયદેવ ઉનડકટને સોંપવામાં આવી છે અને ટીમનો પ્રથમ મુકાબલો 10 જાન્યુઆરીએ સર્વિસીઝ સામે ઈન્દોરમાં થશે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સિનિયર સિલેક્શન કમિટીએ ટીમની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રણજી ટ્રોફીમાં ટીમની કમાન બખૂબી સંભાળનાર જયદેવ ઉનડકટ ટી-20 ટ્રોફીમાં પણ ટીમનું સુકાન સંભાળશે. જ્યારે પહેલી વખત મુશ્તાક અલી ટ્રોફી માટે છ એવા ખેલાડીની પસંદગી કરાઈ છે જેઓ આ ટૂર્નામેન્ટ રમી શકે છે. આ ખેલાડીઓમાં વિશ્વરાજસિંહ જાડેજા, હિમાલય બારડ, યુવરાજસિંહ ચુડાસમા, દેવાંગ કરમટા, પાર્થ ભૂત અને કૃણાલ કરમચંદાણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટીમમાં ચિરાગ જાની, અવિ બારોટ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હાર્વિક દેસાઈ, અર્પિત વસાવડા, સમર્થન વ્યાસ, ચેતન સાકરિયા, પ્રેરક માંકડ, દિવ્યરાજસિંહ ચૌહાણ, વંદિત જીવરાજાની, અગ્નિવેશ અયાચી, કુશંગ પટેલ, પાર્થ ચૌહાણને ટીમમાં સમાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની ટક્કર આ ટૂર્નામેન્ટમાં સર્વિસીઝ ઉપરાંત વિદર્ભ, ગોવા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સામે થશે.