વિશ્ર્વમાં કોરોના કાળ ના કારણે સ્થગીત થઈ ગયેલા ખેલકુદને ફરી મેદાનમાં લાવવાના એક પ્રયાસમાં ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે ગઈકાલથી શરૂ થયેલા પ્રથમ ટેસ્ટ મેચમાં વરસાદનું વિધ્ન આવતા એકતરફ મેચ વિલંબથી શરૂ થયો હતો તો મેચની વચ્ચે પણ વરસાદના વિધ્નથી ફકત 82 મીનીટની રમત શકય બની હતી જેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને દાવ લીધા બાદ ફકત 17.4 ઓવરમાં 1 વિકેટે 35 રન બનાવ્યા હતા.

જો કે આ ગેઈમમાં એક પણ પ્રેક્ષકો હાજર ન હતા અને તેથી લાઈવ ટેલીકાસ્ટ પર જ સૌની નજર હતી. આ મેચમાં હાલમાં જ અમેરિકામાં જે રીતે એક બ્લેક-મેનની ગોરા પોલીસ દ્વારા જાહેરમાં ગુગળાવીને હત્યા કરવામાં આવી હતી તે પછી જે રીતે અમેરિકા સહિત વિશ્ર્વભરમાં બ્લેક લાઈવ્ઝ મેટર, આંદોલન છેડાયું છે તેનો પડઘો આ મેચના પ્રારંભે દેખાયો હતો. વિન્ડીઝના ખેલાડીએ બ્લેક લાઈવ્ઝ મેટર લખેલી પટ્ટી પહેરી હતી અને બાદમાં મેદાન પર ખેલાડીઓ તથા અમ્પાયર્સ ઘુંટણીએ પડીને બ્લેક લાઈવ્ઝ મેટર મુવમેન્ટને ટેકો આપ્યો હતો આ સમયે પેવેલીયનમાં બન્ને દેશના અધિકારીઓ તથા સપોર્ટ સ્ટાફ પણ જોડાયો હતો.

બન્ને ટીમના ગ્લોવઝ પર બ્લેક લાઈટસ મેટરના સ્પીકર્સ પણ હતા અને ટી-શર્ટ પર પણ આ લોગો હતો. પ્રેક્ષકો વગરના મેચમાં અનેક રસપ્રદ દ્રશ્યો જોવા મળ્યા હતા અને બન્ને ટીમના ખેલાડીઓ તથા અધિકારીઓ માટે આઈસીસીએ ખાસ 74 પાનાની ગાઈડલાઈન આપવામાં આવી છે જેમાં તેઓએ શું કરવું શું નહી કરવું તે દર્શાવાયો છે અને ફકત બે કેપ્ટન તથા મેચ રેફરીઝ ટોસ ગયા.

સોશ્યલ ડિસ્ટન્સથી ટોસ ઉછાળાયો. ઓટોમેટીક કેમેરાથી તે દ્રશ્યો ઝડપાયા. બન્ને અમ્પાયર્સ રીચાર્ડ ઈલીગવર્થ અને રીચાર્ડ કેટલબરો એ ખુદના દડા રાખ્યા હતા. અમ્પાયરોની પેનલમાં ફકત ઈંગ્લેન્ડના જ અમ્પાયર્સ છે. દડા અને સ્ટમ્પ્ને બ્રેક સમયે સેનીટાઈઝ કરવામાં આવ્યા હતા. ગ્રાઉન્ડ પર કોઈ બોલબોલ ન હતા અને ગ્રાઉન્ડ સ્ટાફ તથા ખેલાડી વચ્ચે 20 મીટરનું અંતર હતું.

ખેલાડીઓ ગ્લોવ્સ, બોટલ, ટીશર્ટ, સ્વેટર એકબીજાના પહેરી શકતા નથી. સ્કોરરને પણ દૂર દૂર બેસાડાયા હતા તેઓ પેન-પેન્સીલની પણ આપલે કરવાની મનાઈ છે. દડો જો સ્ટેડીયમની અંદર જાય તો પણ ફકત નકકી કરેલ સ્પેર ખેલાડી જેણે ગ્લોવ્ઝ પહેર્યા હોય તે જ દડો પરત આપશે. મેદાન પર કોરોના સ્પેશ્યાલીસ્ટ તબીબ હાજર રહે છે.