ઢાકા 

ટી-20નો મુકાબલો હોય અને તેમાં રનનો વરસાદ ન થાય એવું ક્યારેય બની જ ન શકે. બાંગ્લાદેશમાં અત્યારે બંગબંધુ ટી-20 કપ રમાઈ રહ્યો છે. દરેક મેચમાં રનોના ઢગલા થાય જ છે પરંતુ ટૂર્નામેન્ટનો 15મો મેચ અત્યંત ખાસ રહ્યો હતો. અહીં રનનો વરસાદ નહીં પરંતુ મેદાન ઉપર ચોગ્ગા-છગ્ગાની સુનામી આવી ગઈ હતી અને આ કારનામું કોઈ અનુભવી બેટસમેને કર્યું નથી પરંતુ માત્ર 18 વર્ષના એક યુવા બેટધરે કરી બતાવ્યું છે. આ ખેલાડીનું નામ પરવેઝ હુસેન ઈમોન છે. બાંગ્લાદેશના આ બેટસમેનની દરેક બાજુ ચર્ચા થાય છે કેમ કે તેણે માત્ર 42 બોલમાં જ સદી બનાવી હતી.

ઢાકામાં રમાયેલા આ મેચમાં આમને-સામને હતી મિનિસ્ટર રાજશાહી અને ફોર્ચ્યુન બારિશલની ટીમ. પહેલા બેટિંગ કરતાં રાજશાહીએ 20 ઓવરમાં 221 રનનો વિશાળ લક્ષ્યાંરક બનાવ્યો હતો. જવાબમાં બારિશલ તરફથી કેપ્ટન અને અનુભવી બેટસમેન તમીમ ઈકબાલ 53 રન બનાવ્યા બાદ આઉટ થયા હતા પરંતુ આ પછી મેદાન પર જે કંઈ પણ થયું તે ઈતિહાસ બની ગયો હતો. પરવેઝ હુસેને રનોનો વરસાદ વરસાવી દીધો હતો. તેણે ફરહદ રેઝાની એક જ ઓવરમાં 3 છગ્ગા અને એક ચોગ્ગો લગાવી દીધો હતો. આ ઓવરમાં તેણે 23 રન બનાવ્યા હતા અને માત્ર 25 બોલમાં જ અર્ધસદી પૂર્ણ કરી લીધી હતી.

પરવેઝ હુસેને આ પછી 17 બોલમાં વધુ 50 રન બનાવ્યા હતા. આ રીતે તેણે માત્ર 42 બોલમાં 100 રનની અણનમ ઈનિંગ રમી હતી. ઈનિંગ દરમિયાન તેણે 9 ચોગ્ગા અને 7 છગ્ગા લગાવ્યા હતા એટલે કે 78 રનનો તેણે બાઉન્ડ્રીથી જ બનાવ્યા હતા. બારિશલને 19મી ઓવરના પ્રથમ બોલે જ ધમાકેદાર જીત મળી ગઈ હતી અને પરવેઝ સદી બનાવીને અણનમ રહ્યો હતો.ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના ડેવિડ મીલરના નામે છે. તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ વર્ષ 2017માં માત્ર 36 બોલમાં જ સદી બનાવી લીધી હતી. આમ તો ટી-20માં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ ક્રિસ ગેઈલે નોંધાવ્યો છે, તેણે આઈપીએલમાં માત્ર 30 બોલમાં જ સદી બનાવી હતી. ગેઈલ બાદ ભારતના બેટસમેન ઋષભ પંતે 32 બોલમાં આ કારનામું કરી બતાવ્યું હતું.