એન્ટિગુઆ

ક્રુમાહ બોનરની શાનદાર સદી અને કાઈલ માયર્સની સંઘર્ષપૂર્ણ ઇનિંગ્સને કારણે વેસ્ટ ઇન્ડીઝે શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરી છે. 375 રન ના લક્ષ્‍યાંકનો પીછો કરતાં વેસ્ટ ઇન્ડીઝની ટીમે ચોથી ઇનિંગમાં પૂરી 100 ઓવર બેટિંગ કરી હતી અને ચાર વિકેટ ગુમાવી 236 રન બનાવ્યા હતા.

વેસ્ટ ઈન્ડિઝ માટે ત્રીજી ટેસ્ટ મેચ રમતા બોનરે 274 બોલમાં 13 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 113 રન બનાવ્યા હતા, જ્યારે તેની પ્રથમ મેચમાં ડબલ સદી ફટકારનાર કાઈલ માયર્સે શાનદાર અડધી સદીથી 113 બોલમાં 52 રન બનાવ્યા હતા. બંને ખેલાડીઓએ ત્રીજી વિકેટ માટે 105 રનની ભાગીદારી કરી હતી. બોનરને તેની સદી માટે 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો.

અગાઉ શ્રીલંકાએ તેની પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 169 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ ઇનિંગ્સમાં 271 રન બનાવ્યા હતા. જોકે, બીજી ઇનિંગમાં શ્રીલંકાના બેટ્સમેનોએ 476 રન બનાવીને વધુ સારું પ્રદર્શન કર્યું હતું. શ્રીલંકા માટે, 22 વર્ષીય પથુમ નિસાન્કાએ તેની પ્રથમ મેચમાં શ્રેષ્ઠ સદી ફટકારી હતી અને 103 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

તે જ સમયે વિકેટકીપર બેટ્સમેન નિરોશન ડિકવેલા કમનસીબ હતો અને તે 96 રન બનાવીને આઉટ થયો હતો. આ સિવાય શ્રીલંકાએ ઓપનર લાહિરુ થિરીમાને એ 76 રન અને ઓશાડા ફેર્નાન્ડો એ 91 રન બનાવ્યા હતા. થિરીમા ને પ્રથમ ઇનિંગ્સમાં પણ 70 રન બનાવ્યા હતા.

વેસ્ટ ઇન્ડીઝ તરફથી ઝડપી બોલર કેમર રોચે 3 વિકેટ ઝડપી હતી. તે જ સમયે, પ્રથમ ઇનિંગ્સમાં 61 રન બનાવનાર રહકીમ કોર્નવાલે 3 વિકેટ પણ લીધી હતી.