બ્રિસ્બેન 

ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ન્યૂઝીલેન્ડને ત્રીજી વનડેમાં 232 રને હરાવીને ત્રણ મેચની સીરિઝ 3-0થી જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાનો ન્યૂઝીલેન્ડ પર વનડેમાં સૌથી મોટો વિજય છે. જોકે, કુલ સૌથી મોટો વિજયનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે છે. તેણે પાકિસ્તાને 1997માં 408 રને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે સળંગ 21મી વનડે જીતી છે. આ સાથે જ તેણે પોતાના જ દેશની પુરુષ ટીમના સળંગ સૌથી વધુ વનડે મેચ જીતવાના રેકોર્ડની બરાબરી કરી છે. રિકી પોન્ટિંગની કેપ્ટનશી હેઠળ ઓસ્ટ્રેલિયાની ટીમે 2003માં સળંગ 21 મેચ જીતી હતી. મહિલા ટીમે 2018થી 2020 સુધી સળંગ આટલી મેચ જીતી છે.

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 325 રન બનાવ્યા હતા. મેગ લેનિંગના સ્થાને કેપ્ટનશિપ કરી રહેલી રશેલ હેનેસે 96 અને એલિસા હીલીએ 87 રન બનાવ્યા હતા. રશેલે 104 બોલનો સામનો કરીને 10 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ 27 ઓવરમાં 93 રને ઓલઆઉટ થઈ ગઈ.એમી સેધરવેટ(41) અને મેડી ગ્રીન(22) જ ડબલ ફિગર સુધી પહોંચી શકી.

સંક્ષિપ્ત સ્કોર: ઓસ્ટ્રેલિયા 325/5 (હેનેસ 96, એમેલિયા કેર 3/50), ન્યૂઝીલેન્ડ 27 ઓવરમાં 93 ઓલઆઉટ (સધરવેટ 41, ગાર્ડનર 2/11)