ચેન્નાઇ-

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં પાંચ ફેબ્રુઆરીથી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચનો પ્રારંભ થશે. ભારતને તેની જ ધરતી પર પરાજય આપવો કેટલી મુશ્કેલ વાત છે તે ઈંગ્લેન્ડ સારી રીતે જાણે છે. ઈંગ્લેન્ડના બેટિંગ કોચ ગ્રેહામ થોર્પનું માનવું છે કે જાે તેમને આગામી ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમને દબાણમાં રાખવી હશે તો તેમના બોલર્સે યજમાન દેશના બેટ્‌સમેનો સામે સતત શ્રેષ્ઠ બોલિંગ કરવી પડશે.

ઈંગ્લેન્ડમાં ૨૦૧૪મા કંગાળ પ્રદર્શન બાદ કોહલીએ ૨૦૧૬મા ઘરેલુ સિરીજ અને ૨૦૧૮મા ઈંગ્લેન્ડમાં રમાયેલી સિરીઝમાં રનનો ઢગલો ખડકી દીધો હતો. જાેકે, આ બંને સિરીઝમાં ભારતને અપેક્ષા પ્રમાણે પરિણામ મળ્યા ન હતા. જેમ્સ એન્ડરસનની આગેવાનીવાળા બોલિંગ આક્રમણે ભારતીય કેપ્ટન માટે કોઈ ખાસ રણનીતિ તૈયાર કરી છે તે અંગે પૂછતા થોર્પે જણાવ્યું હતું કે, અમે જાણીએ છીએ કે કોહલી શ્રેષ્ઠ ખેલાડી છે અને છેલ્લા ઘણા વર્ષોથી તે આ વાત સાબિત કરી રહ્યો છે.

ભારતીય બેટ્‌સમેનો ઘરઆંગણાની પરિસ્થિતિને સારી રીતે સમજે છે અને વિરાટ કોહલી તેમાંથી એક છે. અમારા બોલિંગ આક્રમણ માટે મહત્વનું એ રહેશે કે અમે શક્ય તેટલી શ્રેષ્ઠ બોલિંગ કરીએ. મને નથી લાગતું કે અમારે અમારા સ્પિનર્સ અને ઝડપી બોલર્સ પાસેથી આનાથી વધારે અપેક્ષા રાખવી જાેઈએ. અમારે સારો સ્કોર નોંધાવવાની જરૂર છે અને બાદમાં ભારતીય બેટ્‌સમેનોને દબાણમાં લાવવા અમારા માટે મહત્વનું રહેશે, તેમ ઈંગ્લેન્ડના કોચે જણાવ્યું હતું. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્‌સમેન રહી ચૂકેલા થોર્પએ જણાવ્યું હતું કે, ભારતીય બોલિંગ હવે ફક્ત સ્પિનર્સ પર આધાર રાખતી નથી. મને લાગે છે કે તેમનું ઝડપી બોલિંગ આક્રમણ પણ હવે વધારે મજબૂત બન્યું છે. તેથી ફક્ત સ્પિન વિભાગ પર જ ધ્યાન કેન્દ્રીત કરી શકાય નહીં.