નવી દિલ્હી

ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ગુરુવારે રજા આપવામાં આવશે. તેઓ સંપૂર્ણ રીતે ફિટ છે. હાલ તેમની સારવાર કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં ચાલી રહી છે. કાર્ડિયાક એરેસ્ટની સમસ્યાને પગલે ગાંગુલીને શનિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે હોસ્પિટલના વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, બુધવારે ગાંગુલીને રજા આપવામાં આવશે. જોકે ગાંગુલીએ વધુ એક દિવસ હોસ્પિટલમાં રોકાવાનું નક્કી કર્યું છે.

હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગાંગુલીની સારવાર કરતા ડોકટરોની મેડિકલ ટીમ સમયે સમયે તેમના ઘરે જઇને તેમના સ્વાસ્થ્ય પર નજર રાખશે. આ અગાઉ મંગળવારે હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા જારી કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં એવું કહેવામાં આવ્યું હતું કે બ્લડ ટેસ્ટ રિપોર્ટ સંતોષકારક છે. તેમને બુધવારે રજા આપવામાં આવશે. વરિષ્ઠ કાર્ડિયાક સર્જન ડોક્ટર દેવી શેટ્ટી મંગળવારે ગાંગુલીને મળવા પહોંચ્યા હતા. તેઓ ગાંગુલીની સારવાર કરતા 9 ડોકટરોની મેડિકલ ટીમને મળ્યા હતા. તેમણે કહ્યું, 'ગાંગુલીને કોઈ મોટી સમસ્યા નથી. કોરોનરી ધમનીમાં અવરોધ આવે તેવું મોટાભાગના ભારતીયો સાથે થાય છે. તેમના હૃદયમાં કોઈ સમસ્યા નથી. 48 વર્ષીય ગાંગુલીનું હૃદય જેવું 28 વર્ષ પહેલાં હતું, આજે પણ એવું જ છે. 

હોસ્પિટલ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં, એવું કહેવામાં આવ્યું હતું કે ગાંગુલીની ઇસીજી તેમના હાર્ટ ફંક્શન વિશે જાણવા માટે કરવામાં આવી છે. રેસ્પિરેટરી રેટ 15 પ્રતિ મિનિટ છે. ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી થઈ ચૂકી છે. 

આ અગાઉ, મેડિકલ ટીમના વડા, જે ગાંગુલીની સારવાર કરી રહ્યા હતા, સરોજ મોંડલે રવિવારે કહ્યું હતું કે દાદાની હાલત સ્થિર છે. રવિવારે તેમનો ઇસીજી ટેસ્ટ રિપોર્ટ પણ સામાન્ય આવ્યો હતો. ટૂંક સમયમાં તેઓ તેમની દૈનિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે.