નવી દિલ્હી :

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે કેનબરાના ઓવલમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં 63 રન બનાવી જોશ હેઝલવુડનો શિકાર બન્યો હતો. ત્રણ મેચની શ્રેણીમાં કોહલી ત્રણેય વખત હેઝલવુડનો શિકાર બન્યો છે. આટલું જ નહીં 2008માં ડેબ્યૂ કર્યા પછી પ્રથમ વખત કોહલી એક કેલેન્ડર વર્ષમાં વન-ડેમાં એકપણ સદી ફટકારી શક્યો નથી. આ વર્ષે કોહલીએ વન-ડેમાં એકપણ સદી ફટકારી નથી. આ વર્ષે ટીમ ઇન્ડિયાની આ અંતિમ વન-ડે મેચ છે.

બીજી વન-ડેમાં કોહલી સદીની ઘણો નજીક પહોંચી ગયો હતો પણ 89 રને હેઝલવુડનો શિકાર બન્યો હતો. કોહલીએ 2008માં વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારે તે 5 ઇનિંગ્સ રમ્યો હતો અને એકપણ સદી ફટકારી ન હતી. આ પછી તેણે દરેક વર્ષમાં વન-ડે ક્રિકેટમાં સદી ફટકારી છે. સૌથી વધારે સદી કોહલીએ 2017 અને 2018માં ફટકારી હતી. 2017માં કોહલીએ 26 ઇનિંગ્સમાં 6 સદી અને 2018માં 14 ઇનિંગ્સમાં 6 સદી ફટકારી હતી.

કોહલીએ 2008માં સદી ફટકારી ન હતી. આ પછી 2009માં 1 સદી, 2010માં 3 સદી, 2011માં 4 સદી, 2012માં 5 સદી, 2013માં 4 સદી, 2014માં 4 સદી, 2015માં 2 સદી, 2016માં 3 સદી, 2017માં 6 સદી, 2018માં 6 સદી, 2019માં 5 સદી, 2020માં 0 સદી ફટકારી છે.

કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે ઘરેલું વન-ડે શ્રેણી રમીને આ વર્ષની શરૂઆત કરી હતી. આ પછી ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગઈ હતી અને પછી કોરોનાના કારણે ક્રિકેટ થોડાક મહિના માટે બંધ થયું હતું. ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણી કોરોના પછી ટીમ ઇન્ડિયાની પ્રથમ શ્રેણી છે. કોહલીએ ત્રીજી વન-ડેમાં સૌથી ઝડપી 12 હજાર રન પુરા કરવાની સિદ્ધિ મેળવી છે. વિરાટે 242 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. સચિને 300 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.