નવી દિલ્હી

BCCIએ સિનિયર પસંદગી સમિતિના નવા સભ્યોની જાહેરાત કરી દીધી છે. મદનલાલની આગેવાની વાળી ક્રિકેટ સલાહકાર સમિતિએ 89મી વાર્ષિક સાધારણ બેઠકમાં નેશનલ સિલેક્ટર્સના નામની પસંદગી કરી છે. ક્રિકેટ સલાહકાર સમિતિએ ચેતન શર્મા, એબે કુરુવિલા અને દેબાશિષ મોહંતી આ ત્રણ ખેલાડીઓનું નામ સિલેક્શન કમિટિના સભ્ય માટે આગળ કર્યું છે.

પૂર્વ ભારતીય ઝડપી બોલર ચેતન શર્મા BCCIની સિનિયર રાષ્ટ્રીય પસંદગી સમિતિના નવા અધ્યક્ષ હશે. શર્મા મુખ્ય પસંદગીકર્તા તરીકે સુનિલ જોષીનું સ્થાન લેશે. ચૂંટાયેલા ત્રણેય સભ્યો હાલના સભ્ય સુનિલ જોષી અને હરવિંદર સિંહ સાથે મળીને કામ કરશે. 

BCCI સેક્રેટરી જય શાહે કહ્યું, CACના સભ્ય મદનલાલ, આરપી સિંહ અને સુલક્ષણા નાયક વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મળ્યા. ત્રણેયે મળીને સિનિયર પસંદગી સમિતિ માટે ચેતન શર્મા, એબે કુરુવિલા અને દેબાશીષ મોહંતીના નામની ભલામણ કરી.જય શાહે વધુમાં કહ્યું કે, CAC તરફથી સિનિયોરિટિના આધાર પર ચેતન શર્માને મુખ્ય પસંદગીકાર બનાવવની ભલામણ કરવામાં આવી. શર્માએ અન્યોની સરખામણીએ સૌથી વધારે ટેસ્ટ મેચ રમી છે.