દુબઈ-

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં લડાયક દેખાવ કરતાં આખરી દિવસે બાજી પલ્ટી નાંખતાં લોર્ડ્‌ઝ ટેસ્ટમાં યાદગાર જીત હાંસલ કરી હતી. અલબત્ત, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હજુ તેનું આગવું ફોર્મ મેળવી શક્યો નથી. ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં તે પહેલા જ બોલ પર શૂન્ય પર આઉટ થયો હતો. જે પછી બીજી ટેસ્ટમાં તેણે અનુક્રમે ૪૨ અને ૨૦ રન નોંધાવ્યા હતા. કોહલી તેના કથળેલા ફોર્મને કારણે રેન્કિંગમાં પાંચમા સ્થાને જૈસે થૈ ની સ્થિતિમાં છે. જ્યારે ઈંગ્લેન્ડના કેપ્ટન જાે રૃટે સળંગ બે ટેસ્ટમાં સદી ફટકારતાં ટેસ્ટ રેન્કિંગમાં બીજું સ્થાન હાંસલ કરી લીધું છે. કોહલીની સાથે સાથે રોહિત શર્મા અને રિષભ પંતે પણ આઇસીસી રેન્કિંગમાં છઠ્ઠુ અને સાતમું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે કે.એલ. રાહુલે લોર્ડ્‌ઝ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં શાનદાર સદી ફટકારતાં રેન્કિંગમાં ૧૯ સ્થાનની છલાંગ લગાવી હતી. લોર્ડ્‌ઝ ટેસ્ટના પ્રારંભે રાહુલનું રેન્કિંગ ૫૬મું હતુ. જ્યારે શતકીય ઈનિંગ બાદ તે હવે ૩૭માં ક્રમે આવી ગયો છે. તેણે લોર્ડ્‌ઝમાં રમાયેલી બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ૨૫૦ બોલનો સામનો કરતાં ૧૨ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૧૨૯ રન ફટકાર્યા હતા.

ઈંગ્લેન્ડના કેપ્ટન જાે રૃટે ભારત સામેની શ્રેણીની સતત બીજી ટેસ્ટમાં સદી ફટકારતાં રેન્કિંગમાં બીજુ સ્થાન હાંસલ કરી લીધું છે. રૃટે ઓસ્ટ્રેલિયન બેટ્‌સમેન સ્ટીવ સ્મિથને ત્રીજા ક્રમે ધકેલ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાનો જ લાબુશૅન ચોથા ક્રમે ફેંકાયો હતો. ન્યૂઝિલેન્ડનો કેપ્ટન વિલિયમસન ૯૦૧ રેટિંગ સાથે ટોચના સ્થાને છે. જ્યારે રૃટ તેના કરતાં આઠ રેટિંગ પોઈન્ટ્‌સ પાછળ છે અને બીજા ક્રમે છે. ટેસ્ટ બોલર્સની યાદીમાં ઓસ્ટ્રેલિયાના કમિન્સ બાદ ભારતનો ઓલરાઉન્ડર સ્પિનર અશ્વિન સ્થાન ધરાવે છે. જ્યારે જસપ્રીત બુમરાહે ૧૦મું સ્થાન જાળવી રાખ્યું છે. ટેસ્ટ બોલર્સ રેન્કિંગના ટોપ ટેનમાં એન્ડરસને એક સ્થાનના સુધારા સાથે છઠ્ઠો ક્રમ હાંસલ કર્યો છે. જ્યારે વિન્ડિઝનો હોલ્ડર બે ક્રમના સુધારા સાથે ૯મા સ્થાને છે. ભારતીય ફાસ્ટર મોહમ્મદ સિરાજે બંને ઈનિંગમાં ચાર-ચાર વિકેટ ઝડપી હતી. જેના કારણે તે ૧૮ સ્થાનના સુધારા સાથે ૩૮મા ક્રમે આવી ગયો છે. જ્યારે ઓલરાઉન્ડર્સની યાદીમાં જાડેજાને એક સ્થાનનો ફટકો પડયો છે અને તે ચોથા ક્રમે છે.