ઇસ્તંબુલ

બોસ્ફોરસ બોક્સીંગ ટૂર્નામેન્ટમાં ભારતની યુવા બોક્સર નિખાત ઝરીને ગત વર્લ્ડ ચેમ્પિયન પંલ્ટસેવા એકટેરીનાને ઉલટફેર કરીને હરાવી હતી. આની સાથે નિખાતે રશિયાની સ્ટાર બોક્સર એકટેરીનાને હરાવીને મહિલા ૫૧ કિગ્રા વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. એશિયન ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા ઝરીને ટુર્નામેન્ટના બીજા દિવસે એકટેરિનાને ૫-૦ થી હરાવી હતી. ઝરીનનો હવે પછીનો સામનો બે વખતની વર્લ્ડ ચેમ્પિયન કઝાકિસ્તાનની કૈઝાબે નાઝિમ સાથે થશે. ઝરીન ઉપરાંત અન્ય મેચોમાં ૨૦૧૩ એશિયા ચેમ્પિયન શિવ થાપા, સોનિયા લાથર અને પરવીન પણ પોતપોતાના ક્વાર્ટર-ફાઇનલમાં જીત્યાં. શિવએ પુરુષોના ૬૩ કિગ્રામાં કઝાકિસ્તાનના સમાગુલોવ બગતીયોવને ૩-૨ થી હરાવ્યો.

મહિલા વર્ગના બીજા રાઉન્ડમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ સિલ્વર મેડલ વિજેતા સોનિયા (૫૭ કિગ્રા) અને પરવીન (૬૦ કિગ્રા) એ અનુક્રમે સુરમેનેલી તુગ્કેનાઝ અને ઓજિઓલ એસેરાને ૫-૦થી હરાવી. આ દરમિયાન ભારતના અન્ય મુક્તીબાજો દુર્યોધન નેગી (૬૯ કિગ્રા), બ્રિજેશ યાદવ (૮૧ કિગ્રા) અને કિશન શર્મા (પ્લસ ૯૧ કિગ્રા) ને શરૂઆતની મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટુર્નામેન્ટના ત્રીજા દિવસે સોનિયા, ઝરીન, પરવીન અને જ્યોતિ (૬૯ કિગ્રા) ક્વાર્ટર ફાઇનલની મહિલા વર્ગમાં ભાગ લેશે. જ્યારે શિવા અને ગૌરવ સોલંકી પુરુષ વર્ગમાં પોતાનું પડકાર રજૂ કરશે.