નવી દિલ્હી-

ગયા વર્ષે રનરઅપ દિલ્હી કેપિટિલે આઇપીએલ 2021માં શાનદાર શરૂઆત કરી છે. ટીમે તેની આઠમી મેચમાં પંજાબ કિંગ્સને 7 વિકેટે હરાવી હતી. ટીમ 12 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલ પર ટોચ પર પહોંચી ગઈ છે. પ્રથમ બેટીંગ કરતા પંજાબે 6 વિકેટે 166 રન બનાવ્યા હતા. તેના જવાબમાં દિલ્હી કેપિટિલે 17.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ઓપનર બેટ્સમેન શિખર ધવન 69 રન બનાવીને અણનમ રહ્યો.


ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમના કેપ્ટન મયંક અગ્રવાલે જોરદાર બેટીંગ કરી અને અંત સુધી નોટ આઉટ રહીને 99 રનની ઈનિંગ રમી જેની મદદથી ટીમે 6 વિકેટના નુકશાને 166 રન બનાવ્યા હતા. અને દિલ્લીને જીત માટે 167 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્લીના બોલરોએ સારુ પ્રદર્શન કર્યું અને રબાડાએ તેના સ્પેલમાં 3 વિકેટ ઝડપી હતી. જ્યારે આવેશ ખાન અને અક્ષર પટેલે એક-એક વિકેટ ઝડપી હતી.


મહત્વનું છે, કે પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલને પેટમાં દુ:ખાવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં આજે તેની સર્જરી કરાશે. આને કારણે રાહુલ આ મેચમાં રમી શક્યો નહીં. જેથી પંજાબના કેપ્ટન તરીકે મયંક અગ્રવાલને કમાન સોપવામાં આવી હતી અને તેણે જોરદાર બેટીંગ કરીને ટીમને સન્માન જનક સ્કોર સુધી પહોંચાડી હતી. જ્યારે બીજી બાજુ પંજાબે નિકોલસ પૂરનની જગ્યાએ ડેવિડ મલાનને સ્થાન આપ્યું હતું. જ્યારે દિલ્લીની ટીમે કોઇ પણ બદલાવ કર્યો ન હતો.

બંન્ને ટીમના પ્લેઈંગ ઈલેવન

દિલ્હીની કેપિટલ્સ: પૃથ્વી શો, શિખર ધવન, સ્ટીવ સ્મિથ, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, શિમરોન હેટમાયર, લલિત યાદવ, અક્ષર પટેલ, કાગીસો રબાડા, અવશેષ ખાન અને ઇશાંત શર્મા.

પંજાબ કિંગ્સ: પ્રભાસિમરન સિંહ, મયંક અગ્રવાલ (કેપ્ટન), ક્રિસ ગેલ, ડેવિડ મલાન, દીપક હૂડા, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, ક્રિસ જોર્ડન, રિલે મેરિડિથ, રવિ બિશ્નોઇ અને મોહમ્મદ શમી.